કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 71 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોના વાયરસથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યાની ઝડપ વધી રહી છે. તેનું કારણ સક્રિય કેસમાં ઘટાડો ચાલુ છે. આરોગ્ય વિભાગના તાજા આંકડા મુજબ દેશંમાં 99 લાખ 75 હજાર 958 દર્દી સાજા થઇ ચુક્યા છે. વર્તમાનમાં રીકવરી રેટ 96.32 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા થયો છે.
નવા સ્ટ્રેનના 71 કેસ
ભારતમાં ગત 24 કલાકમાં 29 હજાર 91 દર્દી સાજા થયા છે. સક્રિય કેસ ધટી રહ્યાં છે જે 6 મહિના બાદ અઢી લાખથી પણ ઓછી થઇ છે. બ્રિટનમાં મળેલ નવા વાયરસ સ્ટ્રેનના કુલ 71 કેસ જણાયા છે. એનઆઇબી પુનામાં 20 નવા કેસની જાણકારી મળી છે. આરોગ્ય મંત્રાલયે કોરોનાની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, 6 મહિના પછી કોરોનાના એક્ટિવ કેસ અઢી લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 11 દિવસથી કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 300થી ઓછી જોવા મળી છે. આ સાથે જ દેશનો કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને 3 ટકા થયો છે.
વેક્સીનેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે ડિજિટલ પ્લેટફોર્મ
કેન્દ્રિય આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સીનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી બાદ 10 દિવસની અંદર આપણે વેક્સીનેશન અભિયાન શરૂ કરી શકીએ છીએ. વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયા ઈલેક્ટ્રોનિક માધ્યમથી થશે. કોરોના વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયા માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. લોકો કોરોના વેક્સીન લેવા માટે કોવિન નામની એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે, ફ્રન્ટલાઈન વર્કર્સે વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. દર્દીએ કોરોના વેક્સીનનો ડોઝ ક્યારે લેવો જેવી વગેરે બાબતોની જાણકારી તેમને આ એપ્લિકેશનના માધ્યમથી કરવામાં આવશે. કોરોના વેક્સીનેશન માટે પાંચ સભ્યોની ટીમ બનાવાશે અને જો વેક્સીનેશન બાદ કોઈ સમસ્યા થશે તો તેનું તાત્કાલિક નિદાન થશે. જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની સંભાવના છે.
