ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના હાવડા ખાતે જનરેલીનું સંબોધન કર્યું
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે જનરેલીને સંબોધતા કહ્યું કે, બંગાળમાં ભાજપની સરકાર આવશે તો બંગાળના ગરીબોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે. સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બંગાળમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ તૃણમુલ કોગ્રેંસના 5 નેતાઓ ભાજપમાં જોડાયા છે. તો બીજી તરફ આજે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વિશાળ જનરેલીનું સંબોધન કર્યું હતું. ભાજપ દ્વારા આયોજિત હાવડા ખાતેની આ રેલીમાં તૃણમુલ કોગ્રેંસમાંથી ભાજપમાં જોડાયેલા 5 નેતાઓ સુવેન્દુ અધિકારી, રાજીવ બેનરજી, વૈશાલી ડાલમિયા, પ્રવીણ ઘોષાલ સહિતના અનેક નેતાઓ જોડાયા હતા. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ આ રેલીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. રેલીનું સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે બંગાળની પ્રજાને સંબોધતા કહ્યું કે, બંગાળમાં જો ભાજપની સરકાર આવશે તો પહેલી જ કેબિનેટમાં બંગાળના ગરીબ વર્ગના તમામ લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ અપાવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ વખતે બંગાળમાં ભાજપ પક્ષ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે બંગાળના દરેક ઘરે વિકાસની ગંગા પહોંચાડાશે તેવી બાંહેધરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ હાવડા ખાતે યોજાયેલી આ રેલીનું સમર્થન જોતા, પક્ષને મજબૂત કરવા ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
