ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસીક ગાળામાં GDP દરમાં 8.4 ટકાની વૃધ્ધિ નોંધાઇ
Live TV
-
ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસીક ગાળામાં દેશના જીડીપી દરમાં 8.4 ટકાની વૃધ્ધિ નોંધાઇ છે. ગઇકાલે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દેશનો જીડીપી દર ગત વર્ષની સરખામણીએ 8.4 ટકા વધ્યો છે. જે વિશ્વના મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં સૌથી ઝડપી વૃધ્ધિ દર્શાવે છે. એનએસઓના ડેટા અનુસાર આ સમયગાળામાં ઉત્પાદન 5.5 ટકા વધ્યુ છે, જયારે બાંધકામ ક્ષેત્રમાં 7.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. એનએસઓનો ડેટા સુચવે છે કે જુલાઇ થી સપ્ટેમ્બર દરમયાન ઘરગથ્થુ વપરાશમાં વધારો જોવા મળ્યો છે. જેનાથી આગામી મહિનાઓમાં ગ્રાહક માંગમાં મોટા વધારાની સંભાવના છે. ગયા વર્ષે આ સમયગાળામાં અર્થતંત્રમાં 7.5 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ હવે દેશનું અર્થતંત્ર ધીમે ધીમે સામાન્ય સ્થિતિએ પહોંચી રહયું છે.મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે કહયું કે ચાલુ વર્ષે ભારતનો વૃધ્ધિ દર બે અંકમાં રહેવાની સંભાવના છે. મીડીયા સાથેની વાતચતમાં તેમણે કહયું કે છેલ્લા છ મહિનાઓનો વૃધ્ધિદર 13.7 ટકા રહયો છે. આગામી ત્રિમાસીક ગાળામાં વૃધ્ધિ દર 6 ટકા થી વધુ રહેશે તો ચાલુ વર્ષનો વૃધ્ધિ દર બે અંકોમાં રહે તેવી શકયતા છે. તેમણે કહયું કે વર્ષ 2022-23 માં દેશનો વૃધ્ધિદર 6.5 થી 7 ટકા હોઇ શકે છે. જે સાત ટકાથી વધુ પણ થઇ શકે છે. તેમણે કહયું કે નાણાંકીય ક્ષેત્ર મજબુત બન્યું છે અને ઉત્પાદન ક્ષેત્ર દર્શાવે છે કે આ દશકામાં ભારતનો વિકાસ થશે. કે.વી.સુબ્રમણ્યમે કહયું કે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપીના 6.8 ટકાનો રાજકોષીય ખાદ્યનો લક્ષ્યાંક પૂર્ણ થવાની સંભાવના છે.