છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની અંતિમ તબક્કાની 72 સીટ પર મતદાન થયું
Live TV
-
19 જિલ્લાની 72 બેઠક માટે મતદાન
રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. જેમાં 19 જિલ્લાની 72 સીટ પર મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી વિભાગે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. આ સાથે ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે. જેમાં 1.30PM સુધીમાં 35 % જેટલું મતદાન થયું છે.
19336 મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ
અર્ધસૈનિક દળોની લગભગ 600 કંપની તૈનાત કરાઈ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 119 મહિલાઓ સહિત 1079 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ચરણ માટે 19336 મતદાન કેન્દ્ર છે, જેમાંથી બે હજારથી વધુ મતદાન કેન્દ્ર ઉપર વેબકાસ્ટિંગની સુવિધા છે. જેના પર ચૂંટણીપંચની સીધી નજર છે.
અન્ય રાજ્યોમાં જોરશોરથી પ્રચાર
આ સાથે અન્ય ચાર રાજ્યોમાં તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી છે. મધ્યપ્રદેશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનસભા સંબોધી છે. કોંગ્રેસ તરફથી કમલનાથ, જ્યોતિ આદિત્યનાથ સિંધિયા અને દિગ્વીજયસિંહ જેવા દિગ્ગજ નેતાઓએ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. રાજસ્થાનમાં ઉમેદવારી પત્ર ભરવાનું કામ પૂર્ણ થયું છે. ભાજપ તરફથી કિશનગંજમાં વર્તમાન ધારાસભ્ય લલીત મીનાએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે જયપુરમાં રાજપાલસિંહ શેખાવતે ઉમેદવારી કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં બીજા ચરણ માટે પંચાયત ચૂંટણીનું મતદાન થશે.
