ડિઝાસ્ટર મેનેજમેન્ટ "શૂન્ય જાનહાનિ" અભિગમ સાથે આગળ વધી રહ્યુ છે: અમિત શાહ
Live TV
-
દેશમાં ચોમાસુ જામી રહ્યુ છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. તેમણે દેશમાં પૂરની સમસ્યાને ઘટાડવા માટે વ્યાપક અને દૂરગામી નીતિ ઘડવા માટે લાંબા ગાળાના પગલાંની પણ સમીક્ષા કરી હતી.
ચોમાસા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં પૂર વ્યવસ્થાપન સંદર્ભે તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં તેમણે હવામાન વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશનને દર વર્ષે વરસાદ અને પૂરની ચેતવણીમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોને રિપેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે પૂર નિયંત્રણ માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા પૂરી પાડવામાં આવેલ સેટેલાઈટ ઈમેજનો વિવિધ એજન્સીઓ દ્વારા મહત્તમ ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. સિક્કિમ અને મણિપુરમાં તાજેતરમાં જે પૂર આવેલુ તે પૂરનો વિગતવાર અભ્યાસ કરી તેનો વિસ્તૃત અહેવાલ આપવા ગૃહ મંત્રાલયને તેમણે નિર્દેશ આપ્યા હતા. પૂરની પરિસ્થિતિ નિવારવા હંમેશા ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે ત્યારે તેમણે દેશના તમામ મોટા ડેમના ફ્લડ ગેટ સરળતાથી કામ કરે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમિત શાહે જણાવ્યુ કે ભારતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ "શૂન્ય જાનહાનિ" અભિગમ સાથે આગળ વધી રહ્યુ છે.
ઉત્તર-પૂર્વમાં 50 મોટા તળાવ બનાવવા આપ્યા નિર્દેશ
ઉત્તર-પૂર્વમાં પૂરની ઘટનાઓને નિવારવા કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તર-પૂર્વમાં ઓછામાં ઓછા 50 મોટા તળાવ બનાવીને બ્રહ્મપુત્રા નદીના પાણીને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. આ પ્રકારે પૂરની પરિસ્થિતને નિવારવાથી ઉત્તર-પૂર્વમાં કૃષિ, સિંચાઈ અને પ્રવાસનના વિકાસની તકો પણ વધશે તેમ અમિત શાહે જણાવ્યુ હતુ.
જંગલનોની આગને રોકવા કર્યા નિર્દેશો
કેન્દ્રીય ગૃહમંત્રીએ જંગલની આગને રોકવા માટે નિયમિતપણે ફાયરલાઇન્સ બનાવવા, સૂકા પાંદડા દૂર કરવા અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વનકર્મીઓ સાથે સમયાંતરે મોક ડ્રીલ કરવા જણાવ્યું હતું. વિવિધ વિભાગોએ હવામાન, વરસાદ અને પૂરની ચેતવણી સંબંધિત એપ્સને સંકલિત કરી કાર્ય કરવા તેમણે નિર્દેશ કર્યો હતો.
