ત્રણ તલાકનું વિધેયક રાજ્યસભામાંથી પસાર, પ્રધાનમંત્રી સહીત કેન્દ્રીયમંત્રીઓએ આપી પ્રતિક્રિયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક ક્ષણે હું દરેક સાંસંદોનો આભાર માનુ છું.
મુસ્લિમ મહિલાઓને એકસાથે ત્રણ તલાકને અપરાધ ગણાવનાર ઐતિહાસિક વિધેયક રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. ઉચ્ચ સદનમાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકારી સંરક્ષણ વિધેયકના પક્ષમાં 99 મત પડ્યા જયારે 84 સાંસદોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. BSP, PDP, TRS, JD, AIDMK, અને TDP જેવા અનેક પક્ષોએ મતદાનમાં હિસ્સો ન લેતા સરકારને આ બિલ પાસ કરવામાં સરળતા રહી હતી. બિલની મંજૂરીથી વિપક્ષની નબળી રણનીતિ ઉજાગર થઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક ટવીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આખા દેશ માટે આ ઐતિહાસિક દિવસ છે. કરોડો મુસ્લિમ માતાઓ અને બહેનોની જીત થઈ છે અને તેમને સમ્માન થી જીવવાનો હક મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક ક્ષણે હું દરેક સાંસંદોનો આભાર માનુ છું. ત્રણ તલાક બિલ પાસ થવું એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થયા બાદ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સભામાં મુસ્લિમ વુમન પ્રોટેક્શન એક્ટ રાઇટ અને મેરિડ બિલના પસાર થવાથી ત્રણ તલાકની અન્યાય પૂર્ણ પરંપરા પર પ્રતિબંધ લગાવતી સસંદીય પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. આ નિર્ણય આખા દેશ માટે સંતોષપૂર્ણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટવીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. એક ટવીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યસભા દ્વારા ત્રણ તલાકની કુપ્રથા પર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ ઐતિહાસિક મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ બિલ પાસ થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કાયદા મંત્રી, મંત્રીમંડળ, લોકસભા તેમજ રાજ્યસભાના બધા જ સભ્યોનું હાર્દિક અભિનંદન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નિર્ણયથી મોદી સરકારે દેશની મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ બની ગયેલા ત્રણ તલાકથી તેમને મુક્તિ આપી સમાજમાં સન્માનથી જીવવાનો અધિકારી આપ્યો છે.
