દાદરા નગર હવેલીના સ્થાનિક આદિવાસીઓના સશક્તિકરણ માટે ટ્રાઇફેડ દ્વારા નવી પહેલ
Live TV
-
આદિવાસીઓના સશક્તિકરણ માટે નવી પહેલ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં કરવામાં આવી છે. આદિવાસીઓના વિકાસ માટે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે ટ્રાઇફેડ દ્વારા ટ્રાયબલ આઉટલેટની શરૂઆત કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે સેલવાસ પર્યટન ભવન ખાતે નવભારત આઉટલેટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓ દ્વારા નિર્મિત વસ્ત્ર, વારલી પેંટિંગ, ઓર્ગેનિક ખાદ્ય સામગ્રી, ગીર ગાયનું ઘી, લાલ ચોખા વગેરેને વિશ્વફલક પર પ્લેટફોર્મ આપતું મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ સંચાલિત ધી ટ્રાયબલ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટ્રાઈફેડ) પ્રવાસનને વેગ મળે તે હેતુથી આ પહેલ કરી છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સ્થાનિક આદિવસીઓના જીવન ધોરણ ઉંચા લાવવા કરાયેલી આ પહેલની પ્રથમ કડીમાં ટ્રાયફેડ સાથે જોડાણ કરી એમના ઉત્પાદનોને રાષ્ટ્રીય ફલક પર વિશાળ બજાર ઉપલબ્ધ કરાવી ઉત્પાદનને યોગ્ય વળતર મળે એવા પ્લેટફોર્મની ભેટ આપી છે. આ પહેલથી દાદરા નગર હવેલીના સ્થાનિક આદિવાસીઓના સશક્તિકરણ સાથે-સાથે તેઓના જીવનમાં પણ એક પરિવર્તન આવશે. આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું નિરીક્ષણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આદિવાસી વારલી પેંટિંગ કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
