21 જૂન યોગ દિવસથી સમગ્ર દેશના 18 વર્ષથી ઉપરના લોકોને મફતમાં અપાશે રસી: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસપૂર્ણ કહ્યું છે કે કોરોના સામેની લડાઇમાં ભારતનો વિજય થશે. આજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળાને છેલ્લાં 100 વર્ષની સૌથી મોટી જીવલેણ બિમારી ગણાવી હતી અને જિંદગીનું જતન કરવા માટે વહેલાસર રસી મૂકાવી લેવાનો સૌને આગ્રહ કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી તમામ નાગરિકોને કોરોના રસી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત આ પ્રસંગે તેમણે કરી હતી. રસીકરણનું રાજ્યો હસ્તકનું કામ કેન્દ્રહસ્તક લઇ વિશ્વ યોગ દિવસ 21મી જૂનથી વિનામૂલ્યે રસીકરણનું કામ શરૂ કરવાનું એલાન મોદીએ કર્યું હતું.
23 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યા હોવાનું જાહેર કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે રસીકરણનો વ્યાપ ઝડપથી વધારવા માટે ખાનગી હોસ્પિટલની સેવા લેવામાં આવી રહી છે પરંતુ તેઓ દોઢસો રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ વસૂલી શકશે નહીં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના જેવા અદ્રશ્ય અને વારંવાર સ્વરૂપ બદલતા દુશ્મનને પરાસ્ત કરવા માટે ટૂંકા ગાળામાં બે રસી વિકસિત કરીને આપણા વૈજ્ઞાનિકોએ માનવજાતની મોટી સેવા કરી છે. તેમણે માર્મિક સવાલ પણ પૂછ્યો હતો કે આપણા આરોગ્યકર્મીઓને જો વહેલાસર બે ડોઝ આપ્યા ન હોત તો બીજી લહેરમાં તેઓ કઇ રીતે કામ કરત. ભારતે જો પોતે રસી શોધી ન હોત તો શું થાત તેમણે કહ્યું હતું કે ભારતમાં વધુ ત્રણ રસીના ટ્રાયલ ચાલી રહ્યાં છે અને નાક વાટે સુંઘવાની રસી પણ તૈયાર કરાઈ રહી છે. બાળકો માટેની રસીનું પરિક્ષણ પણ ચાલી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. રસીકરણ માટે જરૂર પડે તો વિદેશથી રસીનો મોટો જથ્થો ખરીદવાની તૈયારી પણ તેમણે વ્યક્ત કરી હતી.
