દિલ્હી અનાજ મંડીમાં આગ લાગતા 43ના મોત, ઘટનાની ન્યાયિક તપાસના આદેશ
Live TV
-
દિલ્હીના રાની ઝાંસી રોડ પર અનાજ મંડી સ્થિત એક ફેક્ટરીમાં રવિવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 43 શ્રમિકોના મોત થયા છે અને ઘણા લોકો દાઝી ગયા છે. આ ઘટનામાં 60થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એલએનજેપી હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઘટના બાદ 25 ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનામાં શ્વાસ રૂંધાવાના કારણે લોકોના મોત થયા છે.
હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દિલ્હીના અધિકારીઓને એક અઠવાડિયાની અંદર આ મામલે રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પૂરીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
