દિલ્હી: આજે કેન્દ્રસરકાર અને ખેડૂતસંગઠન વચ્ચે આગળના તબક્કાની બેઠક
Live TV
-
કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો સાથે વાટાઘાટોના આગળના તબક્કાની બેઠક આજે દિલ્હીમાં યોજાશે. આ અગાઉ બંને પક્ષો વચ્ચે 30 ડિસેમ્બરે છઠ્ઠા તબક્કાની વાતચીત થઈ હતી. આ બેઠકમાં ચારમાંથી બે મુદ્દાઓ ઉપર સહમતી સધાઈ હતી. પહેલા મુદ્દા પર્યાવરણ સંલગ્ન અધ્યાદેશ અંગે જ્યારે બીજા વીજળી બિલના મુદ્દા અંગે સહમતી થઈ હતી. આ બેઠક દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત નેતાઓને વિશ્વાસ આપ્યો હતો કે, સરકાર તેમની સમસ્યાઓના સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને બંને પક્ષોએ સૌહાર્દ પૂર્ણ રીતે પહેલ કરવી જોઈએ. તોમરે કિસાન સંગઠનોને આશ્વાસન આપ્યું હતું કે, લઘુતમ સમર્થન મૂલ્ય અને બજાર વ્યવસ્થા અગાઉની જેમ જ ચાલુ રહેશે. ખેડૂતોની લઘુતમ સમર્થન મૂલ્ય અંગે કાયદો બનાવવા અંગેની માંગણી ઉપર તેમણે કહ્યું હતું કે, કૃષિ ઉત્પાદનો અને લઘુતમ સમર્થન મૂલ્ય તથા બજાર ભાવની વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર કહી ચૂક્યા છે કે, કૃષિ સુધારાઓ ખેડૂતોના કલ્યાણ માટે છે અને તેમના હિત માટે છે. પ્રધાનમંત્રી સહિત સમગ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા માટે તૈયાર છે.
