દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો
Live TV
-
રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.આ સાથે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું હતું. જેના કારણે વિઝીબિલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. દિલ્હીમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ દિલ્હીમાં રવિવારે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે દેશના અન્ય રાજ્યોમાં ઠંડા પવન ફુંકાવાની સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તો ગુજરાતની વાત કરીએ તો હાલ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદે વિરામ લીધો છે ત્યારે નવસારી જિલ્લામાં મોડી રાત્રે ફરીથી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લામાં છેલ્લાં 12 કલાક દરમિયાન સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ચીખલી, વાંસદા, ખેરગામમાં નોંધાયો છે. તો ગણદેવીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં પણ સતત વરસાદ ચાલુ છે અને આવામા એક ઇંચ અને વઘઇ સુબીરમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે.
