દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતનું એક વર્ષ પૂરું
Live TV
-
દુનિયાના સૌથી મોટા સ્વાસ્થ્ય કાર્યક્રમ અને મોદી સરકારના મહત્વપૂર્ણ પગલા આયુષ્માન ભારતે પોતાનું એક વર્ષ પૂરું કર્યું હતું
સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને જણાવ્યું કે કેવી રીતે કરોડો ભારતીયોને સ્વાસ્થ્ય સુરક્ષા આપવાના હેતુસર તેમની સરકારે અભૂતપૂર્વ પગલાઓ ઉઠાવ્યાં છે. સૌના સ્વાસ્થ્ય સુરક્ષા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખાસ વાત એ રહી છે કે બેઠક તે દિવસે થઈ હતી જે દિવસે દુનિયાના સૌથી મોટા સ્વાસ્થ્ય કાર્યક્રમ અને મોદી સરકારના મહત્વપૂર્ણ પગલા આયુષ્માન ભારતે પોતાનું એક વર્ષ પૂરું કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સ્વસ્થ ભારતના નિર્માણ માટે તેમની સરકારના પ્રયાસ ચાર સ્તંભ પર ઉભા છે. રોગો સામે રક્ષણ, સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ, પૂરવઠામાં સુધારો અને મિશન મોડ પર કામ કરવું. જેથી દરેક વ્યક્તિના ઉત્તમ સ્વાસ્થ્યનું લક્ષ્યાંક મેળવી શકાય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ટીબીથી મુક્તિના લક્ષ્યને મેળવવા માટે તેમની સરકાર મિશન મોડ પર કામ કરી રહી છે. આ માટે નક્કી કરેલી 2030ની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલા 2025ના રોજ ભારતને ટીબી મુક્ત બનાવવા માટે પ્રયાસ ચાલુ છે. પીએમ મોદીએ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પોષણ મિશનની પણ ચર્ચા કરી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને પાંચ લાખ રુપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવ્યો છે.
આ યોજના પહેલા વર્ષમાં જ અત્યાર સુધીમાં 45 લાખથી વધારે લોકોને લાભ મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં ભારતના અનુભવ અને ક્ષમતાઓથી દુનિયા શીખી શકે છે. સારુ સ્વાસ્થ્ય બધાનો અધિકાર છે મોદી સરકાર તેને હકીકત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. જે માટે વ્યાપક સ્તર પર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સ્વચ્છતા અને રોગથી બચાવ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જે ભારતની પ્રાચીન પરંપરાનું અભિન્ન અંગ છે.