Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શનની સ્થાપનાને આજે 64 વર્ષ થયા પૂર્ણ

Live TV

X
  • 15 સપ્ટેમ્બર 1959એ શરૂ થયેલ દૂરદર્શનને 64 વર્ષ થયા પૂર્ણ

    15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતેથી નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયેલ દૂરદર્શનને આજે 64 વર્ષ પૂર્ણ થયા છે. 1975 સુધી ભારતનાં માત્ર સાત મુખ્ય શહેરો ટેલિવિઝનનું પ્રસારણ ધરાવતાં હતાં. આજે 1415 ટ્રાન્સમીટર દ્વારા દૂરદર્શનના કાર્યક્રમો દેશની 92.2 ટકા વસ્તીને અને 82 ટકા વિસ્તારને આવરી લે છે. કાર્યક્રમો તૈયાર કરવા માટે 66 સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યા છે. દૂરદર્શન માત્ર લોક પ્રસારણનું માધ્યમ જ નથી પરંતું લોકોના જીવનનું અભિન્નઅંગ બની ચૂક્યું છે. સ્થાપનાના 64 વર્ષ બાદ દૂરદર્શન પોતાના સફરમાં રોજ નવી સિધ્ધિઓ હાંસલ કરી રહ્યું છે.

    15મી ઑગસ્ટ 1982ના રોજ ભારતમાં 34.30 કરોડ રૂપિયાના ખર્ચે રંગીન પ્રસારણનો પ્રારંભ કરાયો. દિલ્હીમાં યોજાયેલા નવમા એશિયાઈ રમતોત્સવમાં ટેલિવિઝનના રંગીન પ્રસારણનો પ્રયોગ થયો અને આને પરિણામે ટેલિવિઝનની લોકચાહનામાં પણ વધારો નોંધાયો.  1લી એપ્રિલ 1976ના રોજ ‘આકાશવાણી’થી જુદું પાડીને ‘દૂરદર્શન’ને જુદું નામાભિધાન અને સ્વતંત્ર વિભાગનું રૂપ અપાયું. દૂરદર્શને એના કાર્યક્રમો પાછળ શિક્ષણ, માહિતી અને મનોરંજન – ત્રણેય હેતુઓ રાખ્યા. 23 નવેમ્બર 1997માં પ્રસાર ભારતીની રચના થઈ. ત્યારબાદ દૂરદર્શનનું પ્રસારણ પ્રસાર ભારતી થકી થવા લાગ્યું. આ સાથે વર્ષ 2003 માં ડીડી ન્યુઝની શરૂઆત થઈ, વર્ષ 2004 માં નિશુલ્ક ડીટીએચની સેવા, વર્ષ 2015મા ડીડી કિસાન ચેનલ, વર્ષ 2020મા કોરોના કાળ દરમ્યાન રેટ્રો ચેનલ શરૂ કરવામાં આવી. પળ પળ બદલાતી દુનિયામાં દૂરદર્શન પોતાની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા જાળવી રાખવામાં સફળ થયું છે. 

    દૂરદર્શન દ્વારા શાળાકીય કાર્યક્રમો (ETV) ઑક્ટોબર, 1961થી શરૂ થયા. પરંતુ તેનો વ્યાપ ઘણો સીમિત હતો.  ગુજરાતમાં પીજ ખાતે બહુ મર્યાદિત ક્ષેત્રમાં વિશેષ ગ્રામ અને કૃષિલક્ષી કાર્યક્રમના પ્રસારણ માટે 1975માં કેન્દ્ર સ્થપાયું. ગુજરાત સીમાવર્તી રાજ્ય હોવાથી પાકિસ્તાનનો ભારત વિરોધી દ્વેષીલો પ્રચારધોધ હોવા છતાં ગુજરાત પ્રત્યે દુર્લક્ષ સેવાયું. છેક 1983માં અમદાવાદને 25 કિમી. ત્રિજ્યાનો વિસ્તાર આવરી શકે તેવું નબળું કેન્દ્ર અપાયું. તે સાથે પીજ કેન્દ્ર બંધ કરાયું. તેની યંત્રસામગ્રી બીજા રાજ્યને આપવા ઠરાવવામાં આવ્યું. તા. 2 ઑક્ટોબર, 1987થી ગુજરાતી ભાષામાં 15 મિનિટના પ્રાદેશિક સમાચારનું પ્રસારણ આરંભાયું. તા. 7 જુલાઈ, 1988ના દિવસે ડાંગમાં આહવામાં પ્રસારણકેન્દ્ર સ્થપાતાં ગુજરાતનાં કેન્દ્રોની સંખ્યા 15 થઈ. અત્યારે દૂરદર્શન ડીટીએચ સર્વિસ ઉપરાંત 31 ટીવી ચૅનલો પરથી પ્રસારણ કરે છે જેમાં સ્પૉટર્સ ચૅનલ (1999), ડીડી ભારતી (2002) અને પ્રાદેશિક ભાષામાં પ્રસારણ કરતી બધી દૂરદર્શન ચૅનલનો સમાવેશ થાય છે. 1995માં ડીડી-વર્લ્ડ ચૅનલની શરૂઆત કરવામાં આવી. વિદેશ ગયેલા ભારતીયો ભારતના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે જોડાયેલા રહે તેવો તેનો હેતુ છે. આ ચૅનલ 2002થી ડીડી-ઇન્ડિયાને નામે ઓળખાય છે જે 146 દેશોમાં ચોવીસે કલાક પ્રસારણ કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply