દેશની અર્થ વ્યવસ્થા માટે સારા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં નિકાસ વાર્ષિક આધારે 5.27% વધી
Live TV
-
દેશની અર્થ વ્યવસ્થા માટે સારા સમાચાર છે. દેશની નિકાસ સતત છ મહિના ઘટતી રહ્યા પછી સપ્ટેમ્બર મહિનામાં નિકાસ વાર્ષિક આધારે 5.27% વધીને 27.34 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ હતી. વેપાર ખાધ પણ ઘટીને 2.91 અબજ ડોલરની સપાટીએ આવી ગઇ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા મુજબ આ જ મહિનામાં આયાત 19.6% ઘટીને 30.31 અબજ ડોલરની રહી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેપાર ખાધ 11.67 અબજ ડોલરની રહી હતી અને નિકાસ 26.02 અબજ ડોલર રહી હતી. સપ્ટેમ્બરમાં જે જણસની નિકાસમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઇ છે, તેમાં આયર્ન ઓરની નિકાસમાં 109.52%, ચોખાની નિકાસમાં 92.44 %, ઓઇલ મીલ 43.9 % અને ગાલીચાની નિકાસમાં થયેલા 42.89 ટકાના વધારાનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે ફાર્મા નિકાસમાં 24.36 % તો માંસ - ડેરી અને પોલ્ટ્રી નિકાસમાં, 19.96% ની વૃદ્ધિ નોંધાઇ હતી. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં 4.17 %, એન્જિનીયરીંગ સામાનની નિકાસમાં 3.73 %, રસાયણની નિકાસમાં 2.87 % અને કોફીની નિકાસમાં 0.79 % નો વધારો જોવા મળ્યો હતો.