દેશભરમાં ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા, ચેટી ચાંદ, બૈશાખી અને બિહૂ જેવા તહેવારોની થઇ રહી છે ઉજવણી
Live TV
-
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહીત ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રીએ દેશવાસીઓને આ શુભ અને પવિત્ર તહેવારોની શુભેચ્છાઓ પાઠવી
વિવિધતાથી ભરેલા ભારત દેશમાં આજે દેશના અનેક રાજ્યોમાં તહેવારોની ઉજવણી થઇ રહી છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં પણ આજથી માં શક્તિની ઉપાસના અને શક્તિસંચયના પર્વ ગણાતા એવા ચૈત્રી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત ભારતીય નવું વર્ષ નવ સંવત્સરનો પણ આજથી પ્રારંભ થયો છે. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મરાઠીઓના નવા વર્ષ ગુડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચાંદ, પંજાબમાં વૈશાખી પર્વ અને આસામમાં બિહૂ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા, ચેટી ચાંદ સહિત ઉગાદી અને બૈશાખી પર્વની શુભકામના પાઠવી છે. તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડૂએ પણ પોતાના ટ્વિટ સંદેશ દ્વારા દેશવાસીઓને શુભ અને પવિત્ર તહેવારોની શુભેચ્છાઓ પાઠવી છે.
