દેશભરમાં વરસાદનો કહેર, સ્થિતિ પર ગૃહમંત્રાલયની નજર
Live TV
-
વરસાદનો પ્રકોપ, વાયુસેના, નેવી અને કોસ્ટ ગાર્ડની 173 ટીમે અત્યાર સુધીમાં 82 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં
દેશભરમાં મેઘરાજાએ પોતાનો કહેર દર્શાવ્યો છે. ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ સહિત દેશના અનેક રાજ્યમાં પૂરથી હાલત બેકાબૂ થઈ છે. હાલાત પર ગૃહમંત્રાલયની બાજનજર છે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે એનડીઆરએફની કુલ 83 ટીમ તૈનાત કરવામાં આવી છે. વાયુસેના, નેવી અને કોસ્ટ ગાર્ડની 173 ટીમે અત્યાર સુધીમાં 82 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
દેશના અનેક ભાગમાં લોકો પૂરના પ્રકોપનો ભોગ બન્યાં છે. સૌથી વધારે અસર મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં જોવા મળી છે. આ ત્રણે રાજ્યના અનેક જિલ્લાઓમાં એનડીઆરએફ, ત્રણે સેનાઓ અને રાજ્ય આપદા રાહત દળના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. કેરળમાં પૂરના કારણે ગત ત્રણ દિવસમાં 22 લોકોના મૃત્યું થયાં છે. રાજ્યમાં વરસાદ ઓછો થયો છે પરંતુ વાયનાડ, મલ્લપુરમ, કાસરગોડ, કોઝીકોડ, એર્નાકુલમ, થ્રિશુરમાં હાલાત ખૂબ જ ખરાબ છે. જ્યાં 351 રાહત શિબિરમાં 23000 લોકોને રાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે અસર કોલ્હાપુર અને સાંગલીમાં જોવા મળે છે. સાંગલી માટે નેવીની 12 અન્ય રાહત ટીમો મોકલવામાં આવી છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા, કોલ્હાપુરમાં હાલાત સૌથી વધારે બગડેલા છે. એનડીઆરએફની ટીમ બોટ દ્વારા લોકોને બચાવવામાં લાગી છે. એક-એક ઘરમાંથી મહિલાઓ અને વૃદ્ધોને સકુશળ બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કોંકણના સિંધુદુર્ગ, રત્નાગિરીમાં પણ જનજીવનને અસર પહોંચી છે. કોલ્હાપુરમાં રેસ્ક્યૂ માટે કુલ 22 ટીમને લગાવવામાં આવી છે. એનડીઆરએફની 5 અને નેવીની 14 ટીમ જિલ્લામાં હાજર છે. આ સાથે જ 200 જેટલા જવાનોની એક કોલમ રેસ્ક્યૂ પણ જોડાયેલી છે. કોસ્ટગાર્ડ-એસડીઆરએફની એક-એક ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. કોલ્હાપુરની પંચગંગા નદીનું જલસ્તર ઓછું થયું છે. કોલ્હાપુરના કિની ગામમાં 500 જેટલા મુસાફરો પૂરના કારણે ફસાઈ ગયાં છે.
આ બાજુ કર્ણાટકમાં બેલગાવી, હુબલી, મૈસુર, કોડાગૂ, અને બગલકોટ વિસ્તારમાં પૂરની અસર જોવા મળી છે. અહીં એનડીઆરએફ, વાયુસેના સહિત રાજ્ય આપદા રાહદ દળે લોકોને શક્ય એટલી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પૂરગ્રસ્ત વિસ્તારનું નિરિક્ષણ કરીને અધિકારીઓ સાથે બેઠક કરીને જરુરી નિર્દેશ આપ્યાં છે. કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્ર સરકાર પણ પૂરની સ્થિતિ પર નજર રાખી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત સહિત દેશના અન્ય ભાગમાં હાલાતની સમીક્ષા માટે ગૃહમંત્રાલયમાં પણ ઉચ્ચસ્તરિય બેઠક થઈ હતી. સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં 82000 લોકોને સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
