દેશમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપવા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી
Live TV
-
દેશમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપવા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 27 એપ્રિલ બાદ કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે 13 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ 1 લાખથી વધુ છે. 6 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ 50 હજારથી 1 લાખની વચ્ચે છે. જ્યારે 17 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ 50 હજારથી ઓછી છે. તો 26 રાજ્યોમાં કોરોના પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધી 17 કરોડ 27 લાખ લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ, બિહાર અને દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોનાના પોઝિટિવ રિપોર્ટની જરૂર નથી. દર્દીઓ શંકાસ્પદ હશે તો પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ સાથે જ દેશમાં કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા માટે કોઈ પણ ઓળખપત્રની આવશ્યકતા નથી. તો ઈ-સંજિવની પોર્ટલ પર સેનાના પૂર્વ ડોક્ટર સામાન્ય દર્દીઓની ઓનલાઈન મદદ કરી રહ્યા છે. ઓક્સિજન અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પીએમ કેર ફંડ હેઠળ એક લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવામાં આવી રહ્યા છે. જ્યારે વિદેશોથી 5 હજાર 805 મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરવામાં આવી છે. આ સાથે જ રેલવે દ્વારા પણ દેશભરમાં ઓક્સિજન ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે. તો રાજ્યોને અત્યાર સુધી 10 હજાર મેટ્રિક ટનથી વધારે ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી છે. તાત્કાલિક સમસ્યાના સમાધાન માટે વર્ચ્યૂઅલ સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
