દેશમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ પર પ્રધાનમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ દેશમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ દેશમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ કોવિડ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો અને જિલ્લા અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જે અંતર્ગત એક લાખથી વધારે કોરોનાના સક્રિય કેસો ધરાવતા 12 રાજ્યો અંગે પ્રધાનમંત્રીએ અભ્યાસ કર્યો હતો. તેમજ રાજ્યો દ્વારા આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા લેવાયેલા પગલાઓ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા હતા. તો પ્રધાનમંત્રીએ રાજ્યોની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અને માળખાગત સુધારાઓ કરવા જરૃરી નિર્દેશો કર્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા મહામારીને કાબૂમા લેવા ત્વરિત પગલાં લેવા વિવિધ સૂચનો અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. ઉપરાંત કોરોના કેસના મામલે 10 ટકાથી વધુ પોઝિટિવિટી ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવા રાજ્યોને એક એડવાઇઝરી મોકલવામાં આવી હતી. ઉપરાંત પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા હાથ ધરી હતી. સાથે કોરોના સારવારમાં વપરાતા રેમડિસિવર ઇન્જેક્શનના ઉત્પાદનમાં વૃદ્ધિ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતી પૂરી પાડવામાં આવી હતી. બેઠકમાં આવનારા દિવસોમાં રસીકરણ અને વેક્સિનના ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ અપનાવવા અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઇ હતી. બેઠકમાં રાજ્યોને લગભગ 17.7 કરોડ વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હોવાનું પ્રધાનમંત્રીને જણાવાયું હતું. તો પ્રધાનમંત્રીએ રાજ્ય દ્વારા વેક્સિનના કરવામાં આવતા વ્યય અંગે પણ સમીક્ષા હાથ ધરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યોને રસીકરણની ગતિમાં કોઇ ઓટ આવે નહીં તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
