દેશમાં વધુ 2 લાખ 73 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત 24 કલાક દરમિયાન દેશમાં 2 લાખ 73 હજાર નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ 1 લાખ 44 હજાર 178 દર્દીઓ સ્વસ્થ થયાં હતા. તો 1 હજાર 619 લોકોનાં કોરોનાથી મૃત્યુ હતા. તો બીજી તરફ દેશમાં ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે 24 કલાકમાં કુલ 13 લાખ 56 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને પગલે અનેક રાજ્યોએ કડક પાબંધીઓ લગાવી છે. જેમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાતનાં 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધીના 6 દિવસનાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી દિલ્હીમાં સરેરાશ 25 હજાર જેટલા કોરોનાનાં કેસો નોંધાઇ રહ્યા છે.
સ્થિતિને જોતા ટૂંકા લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જરૂરીયાતની સેવાઓ, મેડિકલ સેવા, ખાન-પાન, લગ્ન સમારંભ સબંધે અલગથી વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તરફ રાજસ્થાનમાં પણ આજથી 3 મે સુધી કેટલીક જરૂરી છુટછાટો સાથે જન અનુશાસન પખવાડિયું મનાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કર્યો છે. આ દરમિયાન સરકારી ઓફિસો, બજાર, મોલ, અને કામકાજનાં સ્થળો બંધ રહેશે. જ્યારે શ્રમિકોના રોજગાર સબંધી કામકાજ જેમકે ફેકટ્રી તેમજ નિર્માણ કામકાજો ચાલુ રહેશે. સાથે છુટક કામકાજ કરીને પેટીયુ રળતા શ્રમિકોને છુટ આપવામાં આવી છે. તો આ તરફ તમિલનાડુએ આવતીકાલથી રાત્રી કર્ફ્યૂ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તો ગોવામાં પણ કાર્યક્રમોમાં હવે 50થી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
