નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેન્દ્ર સરકાર કરી રહી છે સતત પ્રયાસ
Live TV
-
નવા કૃષિ કાયદા પર ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખેડૂત સંગઠને કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત નથી કરી. સાથે જ ખેડૂત સંગઠને 14મી ડિસેમ્બરે આખા દેશમાં ધરણા-પ્રદર્શનનું એલાન પણ કર્યું છે. નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે આ મામલે ખેડૂત સંગઠનને લેખિતમાં પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળના નેતાઓએ ગઇકાલે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ કૃષિ કાયદા અંગેની પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમજ એક આવેદન પત્ર પણ સોંપ્યું હતું. મુલાકાત બાદ સીતારામ યેચુરીએ મીડિયાને જણાવ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદાઓ સાથે વિજળી સાથે જોડાયેલ બિલ પણ પાછુ લેવામાં આવે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર આ મામલે ખુબ જ ગંભીર છે અને ખેડૂતો સાથે વાતચીતની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. તો આ અંગે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાંજે પત્રકાર પરિષદ યોજશે.
