નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં નાણાં વિધેયક 2021-22ને રજૂ કરશે
Live TV
-
લોકસભામાં આજે મહત્વના કામકાજો પર કાર્યવાહી શરૂ થઈ છે. માળખાકીય અને વિકાસ પરિયોજનાઓ માટે એક રાષ્ટ્રીય બેંકની રચનાથી જોડાયેલ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલને ગત સપ્તાહે કેબિનેટ તરફથી મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નાણાં વિધેયક 2021-22ને પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં રજૂ કરશે. સંસદ સત્ર દરમિયાન વિવિધ મંત્રાલયોની અનુદાન માંગોને પહેલાં જ પસાર કરવામાં આવી છે, ત્યારે સરકાર પ્રયત્ન કરશે કે નાણાંવિધેયક 2021-22ને સંસદમાં પસાર કરાવવામાં આવે જેનાથી સંસદમાં સામાન્ય બજેટ પારિત થવાની જે પ્રક્રિયા છે તે જલ્દી પૂરી થાય. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા આરોપ ખૂબ જ ગંભીર છે. તેથી મહારાષ્ટ્ર સરકાર તેના પર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. આ સાથે અનુસુચિત જાતિ અને જનજાતિ તથા આર્થિકરૂપે પછાત વર્ગના કૌશલ્ય વિકાસના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, અનેક રાજ્યોમાં કૌશલ્ય વિકાસ સંસ્થાન બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે જેના પર સરકાર વિચાર કરી રહી છે.
