પંજાબના નિરંકારી ભવનમાં બોંબ બ્લાસ્ટ, 3ના મોત
Live TV
-
અમૃતસરમાં આવેલા અડીવાલ ગામમાં નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થતાં 3 લોકોના મોત થયા છે તથા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રવિવારે સવારના સમયે નિરંકારી ભવનમાં સત્સંગ ચાલી રહ્યો હતો, ત્યારે બાઇક પર સવાર થઇને આવેલા બે યુવાનોએ અહીં ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાઇક પર આવેલા શખ્સોએ પહેલાં ફાયરિંગ કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મૃતકોના પરીવારજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી, તેમને આશ્વાસન પાઠવ્યુ હતુ, તથા રાજ્યમાં સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દરમ્યાન, કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહે પંજાબના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરીને, સમગ્ર પરિસ્થિતિની માહિતી પ્રાપ્ત કરી હતી. બોર્ડર આઇજી સુરિન્દર પાલ સિંઘના જણાવ્યા પ્રમાણે, આ સ્થળ ગુરૂ રામદાસ હવાઇમથકથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે, અને આ ગ્રેનેડ ફેંકનારા યુવાનોની તપાસ ચાલી રહી છે, જેના માટે ઘટના સમયે હાજર હતા તેવા લોકોની મદદ પણ લેવામાં આવી રહી છે.
