પંજાબ વિધાનસભા અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન પૂર્ણ
Live TV
-
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57 ટકા મતદાન નોંધાયુ હતું. વિધાનસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ બેઠકોમાં અનુસુચિત જાતિની 15 અનામત બેઠકનો સમાવેશ થતો હતો. આ તબક્કામાં 97 મહિલા સહિત કુલ 627 ઉમેદવારો મેદાનમાં હતા. એટા, મહેરોની, અને મહુવા બેઠક પર સૌથી વધુ 15 જ્યારે કરહલ બેઠક પર માત્ર 3 ઉમેદવાર મેદાનમાં હતા. કરહલ બેઠક પર બે કદાવર નેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને ભાજપાના S.P બધેલ વચ્ચે જોરદાર ટક્કર હતી.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 117 વિધાનસભા બેઠકો માટે આજે એક તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 63.44 ટકા મતદાન નોંધાયુ હતું. ચૂંટણીમાં 93 મહિલા સહિત 1304 ઉમેદવારો મેદાનમાં હતા. સાનેવાલ અને પટીયાલા ગ્રામીણ બેઠક પર સૌથી વધુ 19 - 19 ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. દીનાનગર વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 5 ઉમેદવાર મેદાનમાં હતા. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની 2 બેઠક પર ચૂંટણી લડ્યા હતા. મતદાન માટે 24,740 મતદાન કેન્દ્ર સાથે વધારાના 51 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં હતા.
