પી.ચિદમ્બરમ પર ગાળિયો કસાયો, 26 ઓગસ્ટ સુધી CBIની રિમાન્ડમાં
Live TV
-
કોર્ટે સીબીઆઈ અને ચિદમ્બરમના વકીલની દલીલને દોઢ કલાકથી વધારે સમય સાંભળી હતી
આઈએનએક્સ મીડિયા મામલે બુધવારે લાંબા ડ્રામા પછી સીબીઆઈના સાણસામાં આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને આવતા ચાર દિવસ સીબીઆઈના રિમાન્ડમાં રહેવું પડશે. ચિદમ્બરમને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે સીબીઆઈ અને ચિદમ્બરમના વકીલની દલીલને દોઢ કલાકથી વધારે સમય સાંભળી હતી. બન્ને પક્ષોની દલીલ પછી કોર્ટે ચિદમ્બરમને ચાર દિવસની રિમાન્ડમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો.
આ પહેલા સીબીઆઈએ ચિદમ્બરમને વિશેષ ન્યાયાધીશ અજય કુમાર કુહાડ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસની રિમાન્ડ માંગી હતી. આ મામલે સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ કોર્ટમાં હાજર હતાં. મહેતાએ કોર્ટને કહ્યું કે ચિદમ્બરમ તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં તેમણે એ પણ કહ્યું કે તે પોતાના જવાબને ગોળ ગોળ ફેરવી રહ્યાં છે અને ગંભીર અપરાધ કર્યો છે.
મહેતાએ કહ્યું કે આ મની લોન્ડ્રીંગનો એક ગંભીર અને મોટો કેસ છે. કોઈ ચીજના બદલામાં ફાયદો પહોંચાડવા બદલ ચિદમ્બરમને અટકાયતમાં લઈને પૂછપરછ કરવાની જરુર છે.
તેમને અને દસ્તાવેજને સામસામે કરવા જરુરી છે. મહેતાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ચિદમ્બરમની આગોતરા જામીન ફગાવવામાં આવી હતી. જેમાં તેમાં કરાયેલી ટીપ્પણીઓનો પણ ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે અમને એ સામગ્રીની જરુર છે જે ચિદમ્બરમ પાસે છે. તેમણે દલીલ કરી હતી કે અટકાયતમાં પૂછપરછ કરવાથી અસરકારક તપાસ કરી શકાશે. મહેતાએ દલીલ આપી હતી કે આરોપીની ગંભીર ભૂમિકા રહી છે અને આ સાથે જ નાણાંકિય લેવડદેવડ પણ થઈ હતી. જેથી તપાસની જરુર છે.ચિદમ્બરમના વકીલોએ પૂછપરછ માટે સીબીઆઈની દલીલનો વિરોધ એ આધાર પર કર્યો કે ચિદમ્બરમના દીકરા કાર્તિ સહિત અન્ય આરોપીઓને આ મામલે જામીન આપવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે પૂર્વ નાણામંત્રી દેશની બહાર જાય તેવી કોઈ જ આશંકા નથી. નોંધનીય છે કે આ પહેલા બુધવારે રાતે ચિદમ્બરમને જોરબાગ સ્થિત તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
