પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પંચમહભુતમાં થયા વિલિન
Live TV
-
હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પાંચ ડૉક્ટરોની ટીમ તેમની પાછળ લગાવવામાં આવી હતી
ભારતિય જનતા પાર્ટીના તેજસ્વી અને લોકપ્રિય એવા પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ઓંચિતી ચિર વિદાયથી સમગ્ર દેશમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પુર્ણ રાજકીય સન્માન સાથએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં તેઓ પંચમહભુતમાં વિલિન થયા હતા. પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત દેશના અગ્રણી નેતાઓએ તેમને ભાવભીની શ્રર્દ્ધાંજલી પાઠવી હતી.
આ અગાઉ તેમનો પાર્થીવ દેહ ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો જ્યા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ તેમના અંતિમ દર્શન કરીને શ્રર્દ્ધાંજલી અર્પી હતી.ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયે તેમના પાર્થીવ દેહ ઉપર શ્રર્દ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને પુર્ણ રાજકિય સન્માન સાથે તેમના દેહને ભારતિય ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો. ગઈ કાલે મોડી સાંજે એઈમ્સ હોસ્પીટલમાં 67 વર્ષીય સુષ્મા સ્વરાજનું નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે લોકસભાની 2019ની ચૂંટણી લડી ન હતી. પરંતુ હંમેશા સોશીયલ મિડીયામાં સક્રિય રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉમંરે નિધન થયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પાંચ ડૉક્ટરોની ટીમ તેમની પાછળ લગાવવામાં આવી હતી. જો કે ડૉક્ટરના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હતા. મંગળવારે સાંજે લોકસભામાં કલમ 370 બિલ પાસ થયા બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના અંતિમ ટ્વિટમાં લખ્યુ હતુ, પ્રધાનમંત્રી જી-તમને હાર્દિક અભિનંદન. હું જીવનમાં આ દિવસની રાહ જોઈ રહી હતી.
દેશના રાજકારણમાં મહિલા શક્તિનું સૌથી મોટું રૂપ તરીકે વિકસી આવેલ સુષ્મા સ્વરાજની છવી પ્રામાણિકતા, પ્રખર, મોહક અને મજબૂત નેતાની હતી. પક્ષ જ નહિં પણ વિપક્ષ પણ તેમના ભાષણથી ખૂબ પ્રભાવિત હતા અને તે જ કારણે જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી ન લડવાનું એલાન કરતા પક્ષ જ નહિં પણ વિપક્ષે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. પાકિસ્તાન હોય કે વિરોધી પક્ષ બંનેને સુષ્મા સ્વરાજે વિના મર્યાદા ગુમાવ્યે જડબાતોડ જવાબ આપ્યો છે.
મહિલાઓ માટે આદર્શ એવા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તેમના પિતાનું નામ હરદેવ શર્મા અને માતાનું નામ લક્ષ્મી દેવી હતુ. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સભ્ય હતા. તેમનો પરિવાર મૂળ રૂપે લાહોરના ધરમપુરા વિસ્તારનું નિવાસી હતુ. તેમણે અંબાલાની સનાતન ધર્મ કૉલેજથી સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક કર્યુ હતુ. વર્ષ 1970માં તેમણે પોતાની કૉલેજમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન મેળવ્યુ હતુ. ત્યાર બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલય, ચંડીગઢથી વિધિનું શિક્ષણ મેળવ્યુ. 1973માં તેઓ સ્વરાજ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયમાં અધિવક્તા પદે કામ કરવા લાગ્યા. 13 જુલાઈ 1973ના રોજ તેમના પ્રેમ વિવાહ સ્વરાજ કૌશલ સાથે થયા. જે સર્વોચ્ચ ન્યાયાલયમાં તેમના સહકર્મી અને સાથી અધિવક્તા હતા. સ્વરાજ દંપતિની એક પુત્રી છે, બાંસુરી જેણે લંડનમાં ઈનર ટેમ્પલથી વકિલાત કરી છે.
સુષ્મા સ્વરાજની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એ.બી.વી.પી) સાથે તેમના રાજનૈતિક કેરિયરની શરૂઆત થઈ. તેમણે ઈમરજન્સીના વિરોધમાં સક્રિય પ્રચાર કર્યો હતો. સૌથી નાની વયે તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા. જુલાઈ 1977માં તેમને ચૌધરી દેવીલાલની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા. હરિયાણામાં ભાજપ લોકદળની ગઠબંધન સરકારમાં તેઓ શિક્ષણ મંત્રી હતી. 27 વર્ષની ઉંમરે તેઓ 1979માં જનતા પાર્ટી (હરિયાણા)ના અધ્યક્ષ બન્યા. એપ્રિલ 1990માં સાંસદ બન્યા અને 1990-96 દરમિયાન તેઓ રાજ્યસભામાં રહ્યા. 1996માં તેઓ 11મી લોકસભા માટે ચૂંટાયા અને અટલ બિહારી વાજપાઈની 13 દિવસની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા. 12મી લોકસભા માટે તેઓ ફરી દક્ષિણ દિલ્હીથી ચુંટાયા તેમને ફરી માહિતી અને પ્રસારણ મંત્રાલય ઉપરાંત દૂરસંચાર મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપાયો. ઓક્ટોબર 1998માં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ અને દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા.
વર્ષ 1996માં તેમણે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ બેલ્લારી સંસદ ક્ષેત્રથી કર્ણાટકમાં ચૂંટણી લડી અને હારી ગયા. વર્ષ 2000માં તેઓ ફરી રાજ્યસભામાંપહોંચ્યા અને તેમને ફરી માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. તેઓ મે 2004 સુધી સરકારમાં રહ્યા એપ્રિલ 2009માં મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાઈ હતી અને તે રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા રહી. ત્યાર બાદ વિદિશાથી લોકસભા માટે ચૂંટાઈ અને તેમણે લાલકૃષ્ણ અડવાણીને સ્થાને નેતા વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા. વર્ષ 2014માં તેઓ એક વાર ફરી વિદિશાથી લડ્યા અને ભારે બહુમત સાથે વિજયી થયા અને નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા.
ટ્વિટર પર સૌથી લોકપ્રિય નેતા તરીકે સુષ્મા સ્વરાજની ઘણી બધી ખૂબીઓ જાહેર થઈ હતી. સુષ્મા સ્વરાજ ભાજપના પ્રથમ મહિલા નેતા હતા કે જે મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રી, મહાસચિવ, પ્રવક્તા, વિપક્ષની નેતા અને વિદેશમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તે ભારતીય સાંસદની એકલા મહિલા સંસદ હતા, જેને અસાધારણ સાંસદનો પુરસ્કાર પ્રાપ્ત છે. તેઓ ભાજપના એકમાત્ર એવા નેતા હતી, જેણે ઉત્તર અને દ.ભારત બંને જગ્યાએથી ચૂંટણી લડી હતી. ઉપરાંત હરિયાણામાં હિન્દી સાહિત્ય સંમેલનના ચાર વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. પુસ્તકોના રસિયા સુષ્મા સ્વરાજને પોતાની સંસ્કૃતિ અને પરંપરા પર ગર્વ હતુ. જેને કારણે જ તેઓ દેશમાં હોય કે પરદેશમાં પણ પોતાની ભારતીય ઓળખ સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર ન્હોતા. આજ દેશ જ નહિં પણ વિદેશમાં પણ તેઓ એક લોકપ્રિય રાજકીય નેતા રહ્યા. તેમની વિદાય ભાજપ માટે ક્યારેય ન પૂરાંય તેવી ખોટ છે.
