પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની યાદમાં સાત દિવસનો રાજકીય શોક
Live TV
-
ભારત સરકારે 31 ઓગસ્ટ, 2020ના રોજ નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના દુઃખદ અવસાનની જાહેરાત કરી છે.દિવંગત મહાનુભાવના સન્માનમાં 31 ઓગસ્ટ, 2020થી 6 સપ્ટેમ્બર, 2020 સુધી દેશભરમાં 7 દિવસનો રાજકીય શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આ બંને દિવસ સામેલ હશે. રાજકીય શોકના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ ભારતના તમામ ભવનોમાં જ્યાં નિયમિત રીતે લહેરાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને ત્યાં કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી ખૂબ દુઃખની લાગણી અનુભવુ છું."
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, “તેઓ એક ખૂબ જ અનુભવી નેતા હતા જેમણે દેશની ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી હતી. પ્રણવ દાની પ્રતિષ્ઠિત કારકિર્દી સમગ્ર દેશ માટે ખૂબ ગર્વની વાત છે.”
શ્રી અમિત શાહે કહ્યું કે, “પ્રણવ દાનું જીવન તથા તેમની દોષરહિત સેવા અને આપણી માતૃભૂમિ માટે તેમનું અવિસ્મરણીય પ્રદાન, હંમેશાં યાદ રહેશે. તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં મોટી ખોટ પડી છે. આ પૂરી ના કરી શકાય એવી ખોટ અંગે તેમના પરિવારજનો અને સમર્થકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.”
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.પોતાના શોક સંદેશમાં મંત્રીએ કહ્યું કે, “ભારતે પોતાના એક મહાન પુત્ર, ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીને ગુમાવ્યા છે. શ્રી મુખર્જી ઘણાં વર્ષોથી માત્ર એક બુદ્ધિજીવી જ નહીં પરંતુ તેઓ એક સારા નિર્ણયકર્તા, વ્યૂહરચનાકાર અને સંસદના કરોડરજ્જુ હતા. તેમણે શાસન અને વહીવટ પર પોતાની છાપ છોડી છે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમણે સ્પષ્ટ સમજ અને ગરિમાની સાથે પોતાની જવાબદારીઓનો નિર્વાહ કર્યો છે.”