પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી પંચમહાભૂતમાં વિલીન
Live TV
-
પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને બીજેપીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થયા હતા. પુત્રી નમિતાએ વાજપેયીજીને મુખાગ્નિ આપી હતી. વાજપેયીજીની શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા.
ભુટાન નરેશ જિગ્મે ખેસર વાંગચુક, અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખ હામિદ કરજાઈ, પાકિસ્તાન તરફથી કાનુન મંત્રી અલી જાફર અટલ બિહારી વાજપેયીજીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે 93 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ગઇકાલે સાંજે પાંચ વાગીને પાંચ મિનિટ પર નવી દિલ્હીના AIIMSમાં પૂર્વ પીએમ વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં. ગુરૂવારે રાતે નવ વાગ્યાથી પાર્થિવ દેહ તેમના આવાસ કૃષ્ણા મેનન માર્ગ પર રાખવામાં આવ્યો હતો. આ પછી શુક્રવારે સવારે તેમના નશ્વર દેહને બીજેપીના મુખ્યાલયમાં લાવવામાં આવ્યા હતા.
