પોલીસ સ્મૃતિ દિવસ: માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો દિવસ
Live TV
-
આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો આજે દિવસ છે. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શહીદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી અને કહ્યું કે, પોલીસ સ્મૃતિ દિવસ સમગ્ર ભારતમાં પોલીસ અને તેમના પરિવારોનો આભાર માનવાનો દિવસ છે. કર્તવ્યોનું પાલન કરતા સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના બલિદાન અને સેવાને હમેશા યાદ રાખવામાં આવશે. કાયદો તથા વ્યવસ્થા સંભાળવાથી લઇ ભયંકર ગુના શોધી કાઢવા સુધી, કુદરતી હોનારતોથી લઇ કોવીડ-19 મહામારી સામે લડવા સુધી પોલીસ કર્મી પોતાનું યોગદાન આપે છે. તેમની મહેનત અને નાગરિકોને સહાય કરવાની તત્પરતા પર અમને ગર્વ છે. આ ઉપરાંત પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલ પરેડમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશવાસીઓ શાંતિથી તહેવાર ઉજવી શકે છે કારણ કે પોલીસ જવાન દરેક સ્થળે ડ્યુટી કરે છે. આઝાદીથી લઈને અત્યાર સુધી શહીદ થયેલા તમામ પોલીસ જવાનોને તેમણે નમન કર્યા હતા. 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પોલીસ સ્મારક દેશને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રી સહીત સમગ્ર દેશે પોલીસની કામગીરીના વખાણ કર્યા છે.
પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવાની શરૂઆત પાછળ ભારત અને ચીનની વચ્ચે અવારનવાર ઉભા થતા હિંસક તણાવની વાત રહેલી છે. જો કે આ દિવસને આઝાદી બાદ ડ્યુટી પર જનાર 34 હજારથી વધુ પોલીસ કર્મીઓની યાદમાં મનાવવામાં આવે છે. ઓક્ટોબર 1959માં લદ્દાખમાં CRPFની ત્રીજી બટાલિયનની એક કંપનીને લદ્દાખના હોટ સ્પ્રિંગ પર મોકલવામાં આવી હતી. CRPFની ટુકડી હજુ ત્યાં પગદંડો જમાવી રહી હતી એ જ સમયે ચીની ફોજની એક મોટી ટુકડીએ છુપી રીતે તેના પર હુમલો કરી દીધો હતો. જોકે CRPF ની નાની ટુકડીએ પણ તેમનો જોરદાર મુકાબલો કર્યો હતો. જે દમિયાન 10 શુરવીર જવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. CRPFના આ જવાનોના બલિદાનને કેન્દ્રના બધા પોલીસ સંગઠન તથા બધા જ રાજ્યોની સિવિલ પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ દિવસના રૂપમાં ઉજવે છે.