આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે વિવિધ વિકાસના કામોનું કરશે લોકાર્પણ
Live TV
-
આવતીકાલે એટલે 23મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની મુલાકાતે
આવતીકાલે એટલે 23મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. જેમાં જૂનાગઢ ખાતે G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજના પરિસરમાં નૂતન સિવિલ હોસ્પિટલ ઉપરાંત રિનોવેટ કરાયેલા શામળદાસ ગાંધી ટાઉન હોલનું લોકાર્પણ કરશે. આ સાથે ૪ કરોડ ૧૬ લાખના ખર્ચે તૈયાર કરાયેલા જૂનાગઢ સાબલપુર બ્રીજ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પોલિટેક્નિક કોલેજનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. વિશેષમાં નરશી મેહતા સરોવરના બ્યુટીફીકેશન માટેની કામગીરીનું ખાતમહૂર્ત કરશે. પ્રધાનમંત્રીના આગમનના પગલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાનશ્રી વલસાડથી બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ નવી ફિશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર સભા સંબોધશે. વડાપ્રધાનશ્રી એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે. આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હનીફ ખોખર.