પ્રધાનમંત્રીએ આંબેડકર યુનિવર્સિટી દ્વારા આયોજિત AIU ના વાર્ષિક સંમેલનમાં સંબોધન કર્યું
Live TV
-
અમદાવાદ આંબેડકર યુનિવર્સિટી દ્વારા આયોજિત ભારતીય વિશ્વ વિદ્યાલય સંઘના 95 માં વાર્ષિક સંમેલનમાં પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કર્યું. બાબાસાહેબ ના જીવન પર લખાયેલ 4 પુસ્તકોનું વિમોચન કરાયું.
આજે દેશભરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિશ્વ વિદ્યાલય સંઘના 95 માં વાર્ષિક સંમેલનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યું હતું.
આ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ડૉ. બાબા સાહેબ યુનિવર્સલ વિઝનના વ્યક્તિ હતાં. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સંવિધાન ઉપર ચાલીને ભારત તેનું નવું ભવિષ્ય ઘડી રહ્યું છે. બાબા સાહેબના જીવન સંઘર્ષથી બધા પરિચિત છે, તેઓ આપણા માટે પ્રેરણાદાયક રહ્યાં છે. બાબા સાહેબ આપણને જે રસ્તો બતાવીને ગયા છે, તેના ઉપર લોકો ચાલે એની જવાબદારી શિક્ષણ સંસ્થાઓની છે. બાબા સાહેબે સમાન અવસરની વાત કરી હતી. આજે જન ધન દ્વારા ગરીબોનું ખાતું ખોલવામાં આવ્યું છે અને તેમને અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. એ જ રીતે બાબા સાહેબના વિઝનને ધ્યાનમાં રાખીને મહિલાઓને પણ નવી તકો આપવામાં આવી છે.
આ ઉપરાંત કુલપતિઓની રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં ઉચ્ચશિક્ષણમાં પરિવર્તન લાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને લાગુ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકો, “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન” નું પણ ઓનલાઇન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આંબેડકર યુનિવર્સિટી સમાજના શૈક્ષણિક વિકાસ માટે ગતિશીલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કાર્યાન્વિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ પણ સંમેલનમાં હાજર રહ્યા હતા.
