પ્રધાનમંત્રીએ કોરોના વાયરસના પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સાર્ક સંગઠનના દેશોને અનુરોધ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સહિયારો પ્રયાસ કરીને સફળ થવા સાર્ક સંગઠનના દેશોને અનુરોધ કર્યો છે.
કોરોના વાયરસના પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા એક સમાન વ્યુહરચના ઘડવા સાર્ક દેશોના સંગઠનની બેઠકનો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, સાર્ક દેશોના અત્યાર સુધીમાં કોરોનાના માત્ર 150 કેસો જ નોંધાયા છે, આમ છતાં બધા જ દેશોએ સાવચેત રહેવાની જરૂર છે.
શ્રી મોદીએ સાર્ક દેશોના સભ્ય દેશોના સ્વૈચ્છિક યોગદાનની મદદથી કોવિડ વાયરસની સમસ્યા ઉકેલવા માટે તાકીદનું ભંડોળ ઉભી કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.તેમણે કહ્યું કે, ભારત કોવીડના ત્વરીત પરિક્ષણ અને સારવાર માટે જરૂરી સાધન-સામગ્રી સાથેની નિષ્ણાંત તબીબોની ખાસ ટીમની રચના કરી રહ્યો છે.
તેમણે કહ્યું કે, કોરોના વાયરસથી અસરગ્રસ્ત અને એવા લોકોના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢવા સંકલીત દેખરેખ પોર્ટલ શરૂ કરાયું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, પાડોશી દેશોને સહકારની નિતિ સમગ્ર વિશ્વમાં એક આદર્શ ઉદાહરણ બનવું જોઈએ.
માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહીમ મહંમદ સોલીહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ રોગ માટે ખાસ ભંડોળ ઉભી કરવાની કરાયેલી દરખાસ્તને આવકારી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેએ સાર્કના અન્ય દેશોને કોરોના વાયરસના પરીક્ષણની કિટ ઓફર કરવા માટે શ્રી મોદીનો આભાર માન્યો હતો.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા સુચવાયેલી વિવિધ પહેલોને આવકારીને બધા જ દેશોને આગામી મહિનાઓમાં સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
જ્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચીનના વુહાનમાં અટવાયેલા બાંગ્લાદેશના 23 વિદ્યાર્થીઓને સલામત રીતે પાછા લાવવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ સાથે મળીને અસરકારક વ્યુહરચના ઘડવા અનુરોધ કર્યો હતો.
ભુતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગે કોવિડ માટેના રાહત ભંડોળની રચનાને આવકારીને આ વાયરસને નાથવામાં નિષ્ણાંત આરોગ્ય કર્મીઓની સેવા આપવાની તત્પરતા દર્શાવી હતી.
