Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Live TV

X
  • આ બેઠકમાં પ્રધાનમંત્રીએ લોકોને સલામત સ્થળે સ્થળાંતરણ સુનિશ્ચિત કરવા શક્ય તમામ પગલાં લેવા વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી તેમજ વીજળી, ટેલીકમ્યુનિકેસન, આરોગ્ય, પીવાનું પાણી જેવી તમામ આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું

    ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘તૌકતે’ થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
    ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ‘તૌકતે’ પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતના દરિયાકિનારા પર 18 મી મેના રોજ બપોરથી સાંજ સુધીમાં પહોંચશે તેવી આગાહી કરી છે. આ દરમિયાન પવનની ઝડપ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી હશે. ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જિલ્લાઓમાં થોડા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
    આ બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે, કેબિનેટ સચિવ દરિયાકિનારા ધરાવતા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો તેમજ સંસ્થાઓના સચિવો સાથે સતત સંપર્કમાં રહે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય પણ પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર એનડીઆરએફએ અગાઉથી જ 42 ટીમોને તૈનાત કરી દીધી છે, જે હોડીઓ, ટ્રી-કટર્સ, ટેલીકોમ ઉપકરણ વગેરે સાથે છ રાજ્યોમાં સજ્જ છે અને અન્ય 26 ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
    વધુમાં ભારતીય તટરક્ષક દળ અને નૌકાદળે રાહત, સંશોધન અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટર્સને કામે લગાવ્યાં છે. માનવતાના ધોરણે મદદ અને આપત્તિ રાહત એકમો સાથે સાત જહાજો પશ્ચિમ દરિયાકિનારે તૈયાર રાખવામાં આવ્યા છે. વીજ મંત્રાલયે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી છે અને વીજળીનો પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવા માટે ટ્રાન્સફોર્મર્સ, ડીજી સેટ અને ઉપકરણો વગેરે તૈયાર રાખ્યાં છે. ટેલીકોમ મંત્રાલય તમામ ટેલીકોમ ટાવર અને એક્સચેન્જ પર સતત નજર રાખી રહ્યું છે અને ટેલીકોમ નેટવર્ક પુનઃસ્થાપિત કરવા સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અસર થવાની શક્યતા ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10 ક્વિક રિસોપન્સ ટીમો અને 5 પબ્લિક હેલ્થ રિસ્પોન્સ ટીમોને ઇમરજન્સી દવાઓ સાથે તૈયાર રખાઈ છે.  એનડીઆરએફ જોખમકારક સ્થળોમાંથી લોકોનું સ્થળાંતરણ કરવા માટે રાજ્ય સરકારની સંસ્થાઓની તૈયારીમાં મદદ કરી રહી છે.
    તમામ વિભાગોની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા શક્ય દરેક પગલાં લેવાની સૂચના આપી હતી કે, રાજ્ય સરકારો દ્વારા લોકોને સહીસલામત જગ્યાએ સ્થળાંતરણ કરવામાં આવે તથા વીજળી, ટેલીકમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ જળવાઈ રહે અને આ સેવાઓને નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક તેને પુનઃસ્થાપિત કરવામાં આવે. 
    આ ઉપરાંત પ્રધાનમંત્રીએ હોસ્પિટલોમાં કોવિડની સારવારમાં વિશેષ સજ્જતા કેળવવી, પાવર બેક અપ પર રસીની કોલ્ડ ચેઇન અને અન્ય તબીબી સુવિધાઓને રાખવી તથા આવશ્યક દવાઓનો સ્ટોરેજમાં રાખવી તેમજ ઓક્સિજનના ટેંકરોની વિના વિક્ષેપ અવરજવર માટે યોજના બનાવવી અને ચોવીસ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવા જેવી બાબતોને પણ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply