પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય શ્રીનિવાસના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય ધર્મપુરી શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો. ધર્મપુરી શ્રીનિવાસનું આજે વહેલી સવારે તેમના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને લાંબી માંદગીને કારણે અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ એક્સ પર પોસ્ટ કરી : પૂર્વ સાંસદ ડી.શ્રીનિવાસ ગારુના નિધનથી દુઃખી છું. તેમને તેમની જાહેર સેવા અને ગરીબોને સશક્ત બનાવવાના પ્રયાસો માટે લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.
શ્રીનિવાસના પુત્ર અને નિઝામાબાદના સાંસદ ડી.અરવિંદે તેમના નિધનની જાણકારી આપી. શ્રીનિવાસના પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે,કોંગ્રેસના નેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. શ્રીનિવાસ 2004 અને 2009 વિધાનસભા અને સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીની કેબિનેટમાં મંત્રી પણ હતા. તેઓ કોંગ્રેસ છોડીને 2016માં BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)માં જોડાયા હતા અને 2016 થી 2022 સુધી રાજ્યસભાના સભ્ય હતા અને બાદમાં કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, રાજ્યના મંત્રીઓ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
