પ્રધાનમંત્રીએ રાયસીના સંવાદની છઠ્ઠી શ્રેણીનું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રીએ કોરોના મહામારીના પ્રભાવ અને ઉપાયો તેમજ ન્યૂ વર્લ્ડ ઓર્ડર પર મંથન કરવા વિશ્વના નેતાઓને કર્યું આહ્વાન તેમજ કોરોના વિરૂદ્ધની લડતમાં વિજ્ઞાનીઓની કામગીરીની કરી પ્રશંસા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે રાજકીય વિષય સાથે સંકળાયેલા દેશના ખાસ સંમેલન, રાયસીના સંવાદની છઠ્ઠી શ્રેણીનાં કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ હાલ વિશ્વભરમાં પ્રસરી રહેલ કોરોના સંક્રમણના મુદ્દાની વાત કરી હતી. તેમણે વિશ્વના નેતાઓને કોરોના મહામારીના લીધે દેશની આર્થિક સ્થિતિ ઉપર પડી રહેલી અસરો અને સીમિત સંસાધનો સાથે તેનો સામનો કરવાના ઉપાયો પર મંથન કરવા આહવાન કર્યું હતું. તેમણે ગરીબી અને માનવતાને કેન્દ્રમાં રાખીને ન્યૂ વર્લ્ડ ઓર્ડર વિષે મંથન કરવા પણ અપીલ કરી હતી. ન્યૂ વર્લ્ડ ઓર્ડર વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ન્યૂ વર્લ્ડ ઓર્ડરની જરૂરિયાતને ધ્યાને રાખીને ભારતે વેક્સીન મૈત્રી અભિયાન અંતર્ગત વંચિત દેશોને વેક્સિનનો પુરવઠો પુરો પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ સંવાદનો પ્રારંભ થયો છે, જે આગામી 16 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ વખતે રાયસીના સંવાદની છઠ્ઠી શ્રેણીનાં કાર્યક્રમનું થીમ "વાયરલ વર્લ્ડ આઉટ બ્રેક્સ, આઉટલિયર્સ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ" રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 16 એપ્રિલ સુધીમાં કુલ 50 સત્ર યોજાશે, જેમાં 50 દેશોના અને બહુપક્ષીય સંગઠનોના 150 વક્તાઓ ભાગ લેશે.
