પ્રધાનમંત્રીએ NDMA ના પ્રતિનિધિઓ સાથે 'યાસ વાવાઝોડા' ને લઈને કરી બેઠક
Live TV
-
"વાવાઝોડા યાસ" ના સામના માટેની તૈયારીઓ અંગે મેળવી હતી માહિતી, બંગાળ-ઓડિશાના દરિયાકિનારે એલર્ટ, તો NDRF ની 65 ટીમો તૈનાત અને 20 ટીમો રખાઈ સ્ટેન્ડબાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન સત્તાના પ્રતિનિધિઓ સાથે "યાસ વાવાઝોડા" ને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વાવાઝોડા 'યાસ' સામે લડવા માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, 26 મેના રોજ આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે અથડાય તેવી શક્યતાઓ છે. જો કે આ વાવાઝોડાનું સાચું ચિત્ર આગામી 48 કલાક સુધીમાં સ્પષ્ટ થશે. આ સંભવિત વાવાઝોડાથી પ્રભાવિત થવાની શક્યતાઓ વાળા વિસ્તારો માટે NDRF ની 65 ટીમો તૈનાત કરવામાં આવી છે અને સાથે જ 20 ટીમોને સ્ટેન્ડ-બાય પર રાખવામાં આવી છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ બંગાળની ખાડીમાં શક્ય ચક્રવાતી તોફાન સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો અને સંબંધિત એજન્સીઓ સાથે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી. બચાવ અને રાહત કાર્ય માટે સૈન્ય, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોની સામાન્ય કામગીરી જાળવવાનાં પણ પગલાં લેવામાં આવ્યાં છે.
