પ્રધાનમંત્રીના બાંગ્લાદેશ પ્રવાસનો અંત; સ્વર્ણિમ સંબંધોમાં ઉમેરાયા નવા અધ્યાય
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. વાણિજ્ય, સૂચના પ્રૌધોગિકી, રમતગમત સહિત 5 મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશોની મૈત્રીના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે ભારતે ચાંદીનો સિક્કો બહાર પડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા અને અંતિમ દિવસે સાંજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે ઢાકામાં દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. બન્ને દેશોના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થયા છે તે અવસરે વાણિજ્ય, માહિતી, ટેકનોલોજી તેમજ રમત ગમત સહિત 5 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની મુક્તિના 50 વર્ષ અને સંસ્થાપક બંગબંધૂ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની આ ઐતિહાસિક કોરોના કાળમાં થઈ હોય તેવી પ્રથમ વિદેશયાત્રા છે. બંને દેશોની મૈત્રીના 50મા વર્ષના પ્રસંગે ભારતે ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે. તો 'મુજીબ વોર્ષો' પ્રસંગે બાંગ્લાદેશે પણ ચાંદી અને સોનાનો સિક્કો બહાર પાડ્યો છે. આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશે ટપાલ ટિકીટ પણ બહાર પાડી છે. બન્ને દેશો વચ્ચે મિતાલી એક્સપ્રેસ નામે નવી રેલસેવા પણ શરૂ થશે. ભારતે બાંગ્લાદેશને 12 લાખ કોવિશિલ્ડ વેક્સિનની સાથે સાથે 109 એમ્બ્યુલન્સની ભેટ આપી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી બાંગ્લાદેશથી ભારત આવવા રવાના થયા.
આજે દિવસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠોમાંની એક સતખિરામાં જેશોરેશ્વરી કાલી શક્તિપીઠમાં પૂજા કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત તેમને ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના લોકોને સંબોધન પણ કર્યું હતું.
