પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છને આપી ત્રણ વિકાસ પ્રોજેક્ટની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કનું કર્યુ ભૂમિપૂજન.પ્રધાનમંત્રીએ કહ્યુ, હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મદદથી 5 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડને રોકવામાં મળશે મદદ જે 9 કરોડ વૃક્ષો વાવવા બરાબર આ પ્લાન્ટથી 1 લાખ રોજગારીનું થશે સર્જન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના પ્રવાસ દરમિયાન ધોરડો ટેન્ટ સિટી ખાતેથી જ માંડવીમાં નિર્માણ થનારા ડિસેલિનેશન પ્લાન્ટ, અંજારની સરહદ ડેરી ખાતે નિર્માણ પામનારા ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ અક્ષય ઊર્જા પાર્કની આધારશિલા મૂકી કચ્છને ત્રણ ભેટ આપી હતી
પ્રધાનમંત્રી મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી કચ્છવાસીઓને શુભકામના પાઠવી હતી.પ્રધાનમંત્રીએ કહ્યું મારું સૌભાગ્ય છે કે કચ્છના ભૂકંપ વખતે મને કચ્છવાસીઓની સેવા કરવાનો મોકો મળ્યો.આ સાથે જ તેમણે કચ્છ સાથે જોડાયેલી પોતાની યાદોને પણ તાજી કરી હતી.લોકોને એમ લાગતું હતું કે કચ્છમાં વિકાસ થવો એ અશક્ય વાત છે, પરંતુ આજે અહીં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનવા જઈ રહ્યો છે જે વિકાસનું પ્રતિબિંબ છે.એટલે જ તો આજે કચ્છ માટે આનંદની બેવડી પળ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કચ્છની પ્રજા ખમીરવંતી છે.અહીંના લોકોએ વર્ષ 2001માં આવેલા ભૂકંપથી પણ ડર્યા વગર સામનો કર્યો હતો.ભૂકંપ પણ કચ્છના લોકોનું મનોબળ તોડી ન શક્યો. કચ્છના લોકો ફરી ઊભા થયા છે અને કચ્છની કાયા પલટ કરી દીધી છે.કચ્છના લોકોએ સાબિત કરી દીધું છે કે, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ રાખી વ્યક્તિ ક્યાંને ક્યાં પહોંચી જાય છે.કચ્છ માત્ર ગુજરાતનું જ નહીં દેશનું ગૌરવ છે.
પ્રધાનમંત્રીએ કચ્છના ખાવડા નજીક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં નિર્માણ થનારા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો જે આશરે 30 ગીગા વૉલ્ટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.આ એનર્જી પાર્કની મદદથી પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને રોકવામાં મદદ થશે.જ્યારે 1 લાખ લોકોને રોજગારી મળશે.સિંગાપોર અને બેહરીન દેશનું જે ક્ષેત્રફળ છે તેટલો તો માત્ર આ એનર્જી પાર્ક છે.
પ્રધાનમંત્રી મોદીએ કચ્છના માંડવી નજીક આવેલા ગુંદિયાળી ગામમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો.આ પ્લાન્ટ દરિયા કિનારે 60 એકરમાં બનશે અને ફેબ્રુઆરી 2023માં તૈયાર થઈ જશે. આ પ્લાન્ટની મદદથી માંડવી ઉપરાંત મુંદ્રા, નખત્રાણા, લખપત અને અબડાસાના લાખો લોકોની પાણીની સમસ્યા દૂર થઈ જશે.આ સાથે જ દરરોજનું 10 લાખ લીટર શુદ્ધ પાણી મળી શકશે.એટલે પછી કચ્છે નર્મદાના પાણી પર આધારિત નહીં રહેવું પડે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજારમાં સરહદ ડેરીના બની રહેલા દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પ્લાન્ટ 121 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામશે, જેની દૂધ પ્રોસેસિંગની ક્ષમતા 2 લાખ લીટર દૂધ પ્રતિ દિવસની હશે. આ ડેરીનો પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટિક ટેક્નોલોજીથી સજ્જ છે.