પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આજે મન કી બાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બીજીવાર સત્તાના સૂત્રો સંભાળ્યા પછી આજે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશ વિદેશના લોકો સાથે સંવાદ કર્યો હતો. મન કી બાત કાર્યક્રમની બીજી કડીમાં પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ, સ્વચ્છતા, ઉપરાંત ચંદ્રયાન 2 વિશે માંડીને વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી જનસમુદાય સાથે સંવાદ કરતાં તેમણે કરેલી અપીલને પગલે પુસ્તકો વાંચીને લોકો નરેન્દ્ર મોદી એપ પર બધાની સાથે તેની વિગતો શેર કરે છે તે વાતે આનંદ વ્યક્ત કર્યો હતો. લોકો આવી માહિતી શેર કરી શકે તે હેતુસર તેમણે એપ પર જ કાયમી બુક કોર્નર શરૂ કરવાની વાત પણ કરી હતી. દેશભરમાં જળ સંરક્ષણ મોરચે થઈ રહેલા ઈનોવેટિવ પ્રયાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ ઝારખંડના ઓરમાંઝી ગામે જનતાએ જ એક ઝરણાને દિશા આપીને જળ સંરક્ષણ કરવા કરેલા પ્રયાસની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેઘાલય પોતાની જળ નીતિ તયાર કરનારૂ દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે.
હરિયાણાની સરકાર ઓછા પાણીએ લઈ શકાય તેવા પાકની ખેતી માટે ખેડૂતોને પ્રેરી રહી છે. રાજ્ય સરકાર પરંપરાગત ખેતીના સ્થાને ઓછા પાણીએ થતા પાક તરફ ખેડૂતોને પ્રેરી રહી છે. પ્રધાનમંત્રીએ તે બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. મોસ્કોમાં કેન્સરમાં સર્વાઇલ થયેલા બાળકો માટે વર્લ્ડ ચિલ્ડ્રન્સ વીનર ગેમ્સનું આયોજન થયું અને તેમાં દેવાંશી રાવત, અનંત તિવારી સહિતના દશ બાળકોએ ભાગ લઈને મેડલ્સ જીત્યા તે ઘટનાની પણ પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તમામ 10 બાળકો ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં જ જીવનનો જંગ જીતીને ચેમ્પિયન બની ચૂક્યા હતા.
ચંદ્રયાન 2 ના સફળ લોન્ચિંગની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ એક સંપૂર્ણ સ્વદેશી મિશન છે. સફળતા બદલ પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી ટેલન્ટ અને ક્ષમતા પર આપણને ભરોસો હોવો જોઈએ. સ્પેસ મિશન અને અંતરીક્ષ ટેકનોલોજી વિશે યોજાનારી ક્વીઝ કોમ્પિટીશનમાં ભાગ લેતા યુવાન યુવતીને આહવાન આપતાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે સૌથી વધુ સ્કોર કરનાર વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરમાં હરિકોટા લઈ જવાશે. ચંદ્રયાન 2 ના ચંદ્રની સપાટી પરના ઉતરાણના તેઓ સાક્ષી બની રહેશે. જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાનને સફળતા મળી હોવાનું જણાવીને પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં નોકરી છોડીને દિલ્હીને સ્વચ્છ બનાવવાના કામે લાગી ગયેલા યોગેશ સૈનીની યાદ અપાવી હતી. વેસ્ટ ટૂ વેલ્થ કલ્ચર વિકસાવવા પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા એક વીલેજ કાર્યક્રમની વાત માંડીને કરી હતી. જમ્મુ કાશ્મીરમાં શોપિયાં, પુલવામા સહિતના વિસ્તારોમાં પહોંચીને અધિકારીઓએ લોક સંપર્ક કરીને સરકારી યોજનાની સમજ આપી હતી. વિકાસ ઉત્સવ જેવો માહોલ સર્જાયો . જાણે બોમ્બ - બંદુકની શક્તિ પર વિકાસ શક્તિ ભારે પડી રહી હતી. વરસાદના આગમન સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ હોવા તરફ પ્રધાનમંત્રી મોદીએ ધ્યાન દોર્યું હતું. અમરનાથ યાત્રા, ચાર ધામયાત્રા, કાવડયાત્રા, જન્માષ્ટમી ઉજવણી વગેરેની મોસમ વિશે પ્રધાનમંત્રીએ માંડીને વાત કરી હતી. પ્રધાનમંત્રીએ બાકીના તહેવારોની જેમ 15મી ઓગસ્ટની ઉજવણીને પણ લોકોત્સવ બનાવવાનો નવી પદ્ધતિઓ શોધી કાઢવા અનુરોધ કર્યો હતો. વરસાદની સાથે જ દેશના અનેક વિસ્તારો પુર સંકટનો સામનો કરી રહયા છે. પ્રધાનમંત્રીએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે સંકટની ઘડીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સદૈવ તેમની પડખે ઊભી રહેશે. સંવાદના અંતે પ્રધાનમંત્રીએ અંતરીક્ષ સંબંધી ક્વીઝ કોમ્પિટીશનમાં ભાગ લેવાની ફરી યાદ પણ અપાવી હતી
