Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમના 83 માં સંસ્કરણમાં વિવિધ વિષયો પર પોતાનાં વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ, ડિસેમ્બર મહિનામાં સેનાનાં શૌર્ય સાથે જોડાયેલા અવસરો, જનજાતિ સમુદાયનું યોગદાન, ઓસ્ટ્રેલિયામાં કૃષ્ણ ભક્ત દ્વારા તૈયાર કરાયેલ પ્રદર્શન તેમજ આયુષ્માન ભારત યોજનાના લાભ વિશે વિસ્તૃત પણે વાત કરી હતી.
    જે અંતર્ગત દેશવાસીઓ સાથે વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર મહિનામાં આવતા નેવી દિવસ અને આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ દિવસ તેમજ 1971 ના યુદ્ધની સ્વર્ણીમ જયંતિની ઉજવણી અન્વયે દેશના સુરક્ષા બળો અને વીરોને યાદ કર્યા હતા.
    ત્યારબાદ સીતાપુરનાં ઓજસ્વી નામનાં દેશવાસીએ અમૃત મહોત્સવ અંગે લખેલા લખાણની વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, દેશનો સામાન્ય નાગરિકથી લઈને સરકાર સુધી અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અમૃત મહોત્સવની ગુંજ છે. આ વર્ષે ભારતભરમાં અમૃત મહોત્સવ અંતર્ગત સતત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવ સૌને કંઈક શીખવાની સાથે દેશ માટે કઈંક કરી બતાવાની પ્રેરણા આપે છે.
    વધુમાં તેમણે ભારતની આઝાદીમાં જનજાતિ સમુદાયનાં યોગદાનને ધ્યાને લઈને દેશમાં થયેલી જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી અંગે પણ વાત કરી હતી. જેમાં ખાસ આંદામાન નિકોબાર ટાપુ પર જારવા અને ઓંગે સમુદાયનાં લોકોએ કરેલા સંસ્કૃતિનાં જીવંત પ્રદર્શનની ચર્ચા કરી હતી.
    આ ઉપરાંત વૃંદાવનની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, વૃંદાવનનાં સુખનો કોઈ અંત નથી. 13 વર્ષ સુધી વૃંદાવનમાં રહેલા પશ્ચિમ ઓસ્ટ્રોલિયાના રહેવાસી કૃષ્ણભક્ત મહિલા જગત તારીણી દાસીજીએ પર્થમાં સેક્રેડ ઈન્ડિયા નામની આર્ટ ગેલેરીમાં પોતાનું વૃંદાવન બનાવ્યું છે. જ્યાં ભગવાન કૃષ્ણનાં જીવન સાથે જોડાયેલી કળા-કૃતિઓનું પ્રદર્શન ગોઠવવામાં અવાયું છે.
    તદુપરાંત જાલૌનની નૂન નદીની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ખેડૂતો માટે પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાતી આ નદી એક સમયે લૂપ્ત થવાના આરે પહોંચી હતી, પરંતુ હજારો સ્થાનિક લોકોએ ભેગાં મળીને આ નદીને પુન:જીવીત કરી છે.
    આપણે પ્રકૃતિનું રક્ષણ કરીએ તો પ્રકૃતિ પણ આપણું સંરક્ષણ કરે છે તેનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ તમિળનાડુનાં તુતુકુડી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે, આ જિલ્લામાં અનેક નાના-નાના ટાપુઓ છે જે દરિયામાં ગરકાવ થઈ જવાનો ભય છે. જેથી સ્થાનિક લોકો અને તજજ્ઞોએ ટાપુ પર કુદરતી આપત્તીથી બચવા વાવાઝોડામાં પણ ઉભા રહી જમીનને રક્ષણ આપતા પાલ્મેરાનાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે.
    આ સિવાય આયુષ્માન ભારત યોજના સહિતની અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું હતુ કે, સરકારનાં પ્રયાસોથી લોકોનું જીવન બદલી શકાય છે.
    પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દેશમાં દર વર્ષે નવા સ્ટાર્ટ-અપોને વિક્રમજનક રોકાણ મળી રહ્યું છે. યુનિકોર્ન નામનાં સ્ટાર્ટઅપનું વેલ્યુએશન એક બિલિયન ડોલર એટલે કે સાત હજાર કરોડ રૂપિયા છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે આપણા યુવાનોની મહેનતથી છેલ્લાં 10 મહિનામાં ભારતમાં દર 10 દિવસે એક યુનિકોર્ન બન્યું છે.
    અંતમાં પ્રધાનમંત્રીએ 6 ડિસેમ્બરે આવતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ડો.બાબા સાહેબ આંબેડકરે પોતાનું જીવન દેશ અને સમાજ માટે સમર્પિત કર્યું, ત્યારે આપણે સૌ પણ સંકલ્પ લઈએ કે, અમૃત મહોત્સવમાં આપણે કર્તવ્યોને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશું તેમ વધુમાં જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply