પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને આપશે વિકાસની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના લોકસભા વિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચશે. તેઓ અહીં વિશ્વ ક્ષય રોગ દિવસ નિમિત્તે 'વન વર્લ્ડ ટીબી સમિટ'ને સંબોધિત કરશે. અહીં તેઓ ટીબીની નાબૂદીની દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ માટે કેટલાક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી બપોરે સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં 1 હજાર 780 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સાથે જ તેઓ કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વેનો પણ શિલાન્યાસ કરશે.
5 સ્ટેશનવાળો આ રોપવે 3.75 કિલોમીટર લાંબો હશે. આના કારણે પ્રવાસીઓ, તીર્થયાત્રિઓ અને વારાણસીના નિવાસીઓને આવવા-જવામાં સરળતા રહેશે. ઉપરાંત પ્રધાનમંત્રી નમામિ ગંગે યોજના અંતર્ગત ભગવાનપુરમાં 55 એમએલડી ક્ષમતાવાળા સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ખેલો ઇન્ડિયા યોજના અતંર્ગત સિગરા સ્ટેડિયમના પુનઃર્વિકાસ કામના બીજા અને ત્રીજા તબક્કા અને સેવાપુરીના ઈસરવર ગામમાં એચપીસીએલની એલપીજી બોટલિંગ પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરથરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફ્લોટિંગ જેટ્ટી સહિત અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
