પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે ચર્ચા કરશે
Live TV
-
પારસ્પરિક હિત બાબતે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે ચર્ચા કરશે. બંને નેતા દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ સાથે પારસ્પરિક હિત બાબતે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. વિયેતનામના રાષ્ટ્રપતિ મંગળવારે ત્રણ દિવસીય ભારત યાત્રા પર નવી દિલ્હી પહોંચ્યા છે. વિયેતનામ સરકારના અનેક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત મુલાકાતે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ તો લામની વિયેતનામાના રાષ્ટ્રપતિ બન્યા પછી આ ભારતની પહેલી રાજકીય યાત્રા છે.
ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. વર્ષ 2016માં શરૂ થયેલી 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી' હેઠળ બંને દેશો હવે આર્થિક સહયોગના નવા માળખા તરફ આગળ વધી રહ્યા છે. વર્ષ 2016માં જે દ્વિપક્ષીય વ્યાપાર 5.4 અબજ ડોલર હતો, તે 2025 માં વધીને રેકોર્ડ 16.46 અબજ ડોલર પર પહોંચ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ વ્યાપારમાં 28%નો મજબૂત વધારો જોવા મળ્યો છે. વિયેતનામ ભારતને ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી પૂરી પાડે છે, જ્યારે ભારત વિયેતનામને ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ અને ટેક્સટાઈલ મટીરિયલની નિકાસ કરે છે. બંને દેશોની અર્થવ્યવસ્થા હવે એકબીજાની પૂરક બની રહી છે. ભારત સોફ્ટવેર અને ફાર્મા ક્ષેત્રે મજબૂત છે, જ્યારે વિયેતનામ મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. રોકાણના ક્ષેત્રે પણ મોટી પ્રગતિ થઈ રહી છે:વિયેતનામની 'વિંગ્રુપ' કંપની તમિલનાડુમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.ભારતીય કંપનીઓ વિયેતનામના 20થી વધુ પ્રાંતોમાં વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે.
