પ્રધાનમંત્રી મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઓ યોજાઈ
Live TV
-
દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઓ યોજાઈ હતી. બંને દેશોએ સંચાર અને ઉદ્યોગ-વેપાર સહિત અલગ-અલગ ક્ષેત્રોમાં સાત MOU પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રીશ્રી મોદીએ કહ્યું છે કે ભારત તથા દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ સ્પર્શ્યા છે. સિઓલમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન સાથેની મંત્રણામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર ભારત માટે જ નહીં વિશ્વ માટે પણ મહત્ત્વની છે. ગયા સપ્તાહના પુલવામા ત્રાસવાદી હુમલાના સંદર્ભે દક્ષિણ કોરિયાના પ્રમુખે કહ્યું કે ત્રાસવાદ સભ્યતા અને માનવતા સામેનો પડકાર છે અને તેને ઉચિત ઠરાવી શકાય નહીં. દક્ષિણ કોરિયાના પ્રમુખ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં શ્રી મોદીએ પુલવામા હુમલા માટે શ્રદ્ધાંજલી પાઠવવા બદલ તેમજ ત્રાસવાદ સામે ભારતને સમર્થન આપવા માટે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂનનો આભાર વ્યક્ત કર્યો હતો.
