બિહારને મળી 350 કિમીના માર્ગોના નિર્માણની ભેટ, અન્ય રાજ્યો સાથે વ્યવહાર બનશે સરળ
Live TV
-
બિહારને વિકાસશીલ અને પ્રગતિશીલ બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં 9 રાજમાર્ગ પરિયોજનાની આધારશિલા રાખી હતી.
આ પરિયોજના અંતર્ગત બિહારમાં 350 કિલોમીટરના માર્ગોનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી બિહારના વિકાસને વેગ મળશે અને બિહાર ઉપરાંત પાડોશી રાજ્યો ઝારખંડ તથા ઉત્તરપ્રદેશના લોકો અને સામાનની હેરફેર પણ સરળ બની જશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાનું પણ ઉદ્ધાટન કર્યું હતું. જેના દ્વારા બિહારના તમામ 45 હજાર 945 ગામોને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાનાં માધ્યમથી જોડવામાં આવશે. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારત પોતાના ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના માટે પગલાં લઈ રહ્યું છે.
એક હજાર દિવસોમાં ઓપ્ટિકલ ફાયબલ ઈન્ટરનેટના માધ્યમથી 6 લાખ ગામડાઓને જોડવામાં આવશે અને દરેક ગામમાં ઝડપી ઇન્ટરનેટ પહોંચતા ભણતર સહેલુ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આજે ભારત ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનારા દેશોમાં અગ્રણી છે. ઓગસ્ટ મહિનામાં યુપીઆઈ દ્વારા 3 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ નવા કૃષિ સુધારા અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાનૂન અને ફેરફાર કૃષિ મંડીઓની વિરોધમાં નથી.
