બિહાર ચૂંટણીને લઈ આવ્યો રાજકીય ગરમાવો, દિલ્લીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાઈ બેઠક
Live TV
-
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ જતાં રાજયમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જે અંતર્ગત ગઇકાલે મળેલી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત બિહાર ભાજપના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાજપને ત્યારે વધુ મજબૂતી મળી હતી કે જ્યારે પૂર્વ કેન્દ્રિય મંત્રી દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયસી સિંહ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાનમાં બિહારમાં એનડીએની સમર્થક પાર્ટી લોક જનશક્તિ પાર્ટીએ બિહારમાં ગઠબંધનથી અલગથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં લોકજન શક્તિ પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. લોકજન શક્તિ પાર્ટીના નેતાએ જણાવ્યુ હતું કે, બિહારમાં જેડીયુ સાથેના વૈચારિક મતભેદને કારણે ગઠબંધનથી અલગથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જોકે લોજપા કેન્દ્રમાં એનડીએ સાથે ગઠબંધનમાં રહેશે. એટલું જ નહિ બિહારમાં ચૂંટણી બાદ તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. બીજી તરફ મહાગઠબંધન સામેલ રહેલી વિકાસશીલ ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ મુકેશ સાહનીએ જણાવ્યુ હતું કે, તેમના પક્ષની બેઠકોની સંખ્યાની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે તેમણે મહાગઠબંધન છોડવાની વાત કરી છે. મુકેશ સાહનીએ RJD ઉપર અતિ પછાત વર્ગની પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ પણ લગાવ્યો છે. અત્રે મહત્વનું છે કે, બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજવાની છે. જેમાં પ્રથમ તબક્કામાં વિધાનસભાની 71 બેઠકો માટે 28 ઓક્ટોબરે મતદાન થવાનું છે. બીજા તબક્કા માટે 3 નવેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ઓક્ટોબરથી આ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રીયા શરૂ થઇ ચૂકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર છે. ત્રણ તબક્કે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી 10 નવેમ્બરે યોજાશે.