ભાજપે રાષ્ટ્રીય અધિવેશન થકી મિશન 2019ની ઔપચારિક રીતે કરી શરૂઆત
Live TV
-
નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેઠકમાં સમાપન ભાષણ આપવા કાર્યક્રમમાં પહોંચી ગયા છે. સ્વામિ વિવેકાનંદ જયંતિ અવસરે આજે ટોચના પદાધીકારીઓએ સ્વામી વિવેકાનંદના તૈલીચિત્ર સમક્ષ ભાવાંજલી આપી હતી. અને આજે બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં કાર્યકર્તા માટે સંદેશો પણ હશે.
2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના મિશન 2019ની ઔપચારિક રીતે શરૂઆત કરી દીધી છે. અધિવેશનની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થઈ હતી, જેમણે એનડીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને સાથે સાથે પાર્ટી કાર્યકર્તાઓને જીતનો મંત્ર પણ આપ્યો હતો.
તેમણે સામાન્ય શ્રેણીમાં આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત અને જીએસટીમાં વ્યાપારીઓને રાહત આપવાના નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો.
અમિત શાહે રામમંદિર મુદ્દે એવું પણ કહ્યું કે, પાર્ટી બંધારણીય રીતે રામમંદિરના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.આ અધિવેશનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કૃષિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનું શિર્ષક છે સમૃધ્ધ, કૃષિ, સમૃધ્ધ કિસાન. આ પ્રસંગે રાજનાથસિંહે કહયું કે પ્રધાનમંત્રીની સંવેદનશીલતા ભરી નીતિથી ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે. આ અધિવેશનમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગરીબ કલ્યાણથી સંબંધીત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારી નાણાં હવે લોકો સુંધી પહોંચી રહ્યા છે. દેશમાં ચાલતી 434 યોજનાથી લાભાર્થીના ખાતામાં 5 લાખ 50 હજાર કરોડ રૂપિયાની રકમ પહોંચાડી છે.
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ગત સરકારની ટીકા કરી કહ્યું કે ગરીબી દૂર કરવા માટે ગંભીર ન હતી. કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિમાં વિશ્વાસ કરે છે. જ્યારે એનડીએ સરકાર કલ્યાણકારી યોજનાઓ ઉપર ઝડપથી કાર્ય કરી રહી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આર્થિક નબળા સામાન્ય લોકોને 10 ટકા અનામત આપવાનું સુધારા વિધેયક બંધારણના અસલ મુસદ્દાથી અલગ નથી. તેમણે આ પગલુ ગરીબી દૂર કરવાનું મોટુ પગલું ગણાવ્યું હતું.
