ભારતમાં ઓક્સિજન સપ્લાયની કામગીરી પુરજોશમાં
Live TV
-
ભારતીય રેલવે ઉપરાંત નૌકાદળ અને વાયુસેના પણ ઓક્સિજન સપ્લાયની કામગીરીમાં કાર્યરત.
દેશભરની હોસ્પિટલ્સમાં ઓક્સિજન સપ્લાયનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય રેલવે ઉપરાંત નૌકાદળ અને વાયુસેના પણ આ કામે લાગેલા છે. ડીઆરડીઓ દ્વારા પણ ઠેર ઠેર ઓક્સિજન પ્લાન્ટ ઉભા થઇ રહ્યા છે. રેલવેએ અત્યાર સુધીમાં 295 ટેન્કરની મદદથી વિવિધ રાજ્યોમાં 4700 મેટ્રિક ટનથી વધુ મેડિકલ ઓક્સિજન પુરો પાડ્યો છે. અત્યાર સુધીમાં 75 ઓક્સિજન એક્સપ્રેસ પોતાની યાત્રા પુરી ચુકી છે. કર્ણાટક માટે પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ બેંગલુરૂ માટે તાતાનગરથી રવાના થઇ ચુકી છે. તેમાં 120 મેટ્રેક પ્રવાહી ઓક્સિજન છે. આ એક્સપ્રેસ આજે સાંજ સુધીમાં બેંગલુરૂ પહોંચી જશે. ભારતીય રેલવે વિદેશોથી આવેલા ઓક્સિજનના જથ્થાને પણ દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડી રહી છે. સાઉદી અરબથી આવેલા છ ઓક્સિજન કન્ટેનરને ભારતીય રેલવે કચ્છથી દિલ્હી લાવી રહી છે. દેશભરની હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો સપ્લાય સુનિશ્ચીત કરવા વાયુસેનાના વિમાનો પણ ખેપ કરી રહ્યા છે. સિંગાપુર અને ઇન્ડોનેશિયાથી ઓક્સિજન કન્ટેનર લઈ વિમાનો ભારત પહોંચ્યા છે. દેશને ઓક્સિજન પુરો પાડવા નૌકાદળ દ્વારા પણ સમુદ્રસેતુ અભિયાન - ટુ ચલાવી રહી છે. કુવૈત અને કતરથી ચિકિત્સા સામગ્રી અને ઓક્સિજન લઇને આઇએનએસ કોલકતા મોંગ્લોર બંદરે પહોંચી ચુકી છે. બીજી તરફ ડીઆરડીઓ દ્વાર પીએમ કેર ફંડ હેઠળ દેશભરમાં 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. નવી દિલ્હી ખાતે એમ્સ અને આરએમએલ હોસ્પિટલ ખાતે આવા બે પ્લાન્ટ શરૂ થઇ ચુક્યા છે. પેટ્રોલિયમ મંત્રાલય પણ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં મદદ કરી રહ્યું છે. મંત્રાલય બિહારમાં 15 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરશે. દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધિ વધારવા આયાત પણ વધારવામાં આવી છે.
