ભારતીય એરફોર્સ દ્વારા પીઓકેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણીઓનો કચ્ચરધાણ કાઢયો
Live TV
-
આ હુમલામાં જૈશના અનેક આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મળી છે. વિદેશ સચિવ વિજય ગોખલેના જણાવ્યા મુજબ ગુપ્ત માહિતીના આધારે પૂરા આયોજન સાથે આ હુમલો કરાયો હતો. ગુપ્ત માહિતીમાં જણાવાયું હતું કે, અંકુશ રેખાની પેલેપાર બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પમાં મોટી સંખ્યામાં ફિદાઇન હુમલાખોરો હાજર હતા.
ભારતીય એરફોર્સ દ્વારા પીઓકેમાં આજે કરાયેલા અસૈન્ય હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણીઓનો કચ્ચરધાણ નીકળી ગયો છે. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મળી છે. વિદેશ સચિવ વિજય ગોખલેના જણાવ્યા મુજબ ગુપ્ત માહિતીના આધારે પૂરા આયોજન સાથે આ હુમલો કરાયો હતો. ગુપ્ત માહિતીમાં જણાવાયું હતું કે, અંકુશ રેખાની પેલેપાર બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પમાં મોટી સંખ્યામાં ફિદાઇન હુમલાખોરો હાજર હતા. આ બધા આત્મઘાતી આતંકીઓ ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા. ભારતમાં થયેલાં હુમલામાં આ સંગઠનની સંડોવણી હતી. હુમલામાં નાશ કરાયો એ આતંકી કેમ્પ મૌલાના યુસુફ અઝહરનો હતો. આ આતંકી મસુદ અઝહરના પરિવારો હોવાનું માનવામાં આવે છે. પૂરતી તૈયારી કર્યા બાદ ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલો કર્યો હતો. મહત્વની બાબત એ છે કે આ હુમલામાં નાગરિકોને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. ઉલ્લેખનીય છે કે, હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશના કમાન્ડરો અને જેહાદીઓનો પણ સમાવેશ થાય છે. દરમિયાનમાં આ હુમલા અંગે ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વિટર જણાવ્યું હતું કે, આવું જબરદસ્ત કામ કરવા બદલ વાયુસેનાને અભિનંદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારની ઇચ્છા શક્તિના કારણે જ આ શક્ય બન્યું છે.
આ અગાઉ હુમલા બાદ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની મહત્વની બેઠક મળી હતી. જેમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, નાણામંત્રી અરૂણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પાકિસ્તાન વિરુદ્ધ સરહદે કરાયેલી કાર્યવાહી બદલ ભારતીય વાયુ સેનાને અભિનંદન આપ્યા હતા.
