ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયલમાં સર્વોચ્ચ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે
Live TV
-
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં અદભૂત સૂઝબૂઝ અને અદમ્ય સાહસ દાખવીને 170થી વધુ મુસાફરોના પ્રાણ બચાવનાર ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની વીરતાને વૈશ્વિક સ્તરે મોટું સન્માન મળવા જઈ રહ્યું છે. ઇઝરાયલ સરકાર દ્વારા કેપ્ટન સ્મિતને દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન 'પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝ્મ' (Presidential Award for Civilian Heroism) થી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ પ્રતિનિધિ ગૃહના 'કોંગ્રેસનલ રેકોર્ડ'માં પણ તેમના સાહસને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવશે.
ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગની આ જાહેરાત વિશે માહિતી શેર કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અને હિંમતે એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી. તેમના સ્વસ્થ થયા પછી, રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ તેમને આ સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરશે. ઇઝરાયલ તમારી બહાદુરીને સલામ કરે છે."
સમગ્ર ઘટના ગત 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ 1073) દરમિયાન બની હતી. ઉડાન દરમિયાન સહ-પાયલટે અચાનક કેપ્ટન માછર પર કુહાડીથી હુમલો કરી દીધો હતો અને વિમાનનો કાબૂ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાના કારણે વિમાન માત્ર ૩૦ સેકન્ડમાં આશરે 16000 ફૂટ નીચે આવી ગયું હતું.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, 17 વર્ષનો ઉડાનનો અનુભવ ધરાવતા કેપ્ટન મચ્છરે પોતાની જાનની પરવા કર્યા વગર કોકપીટના દરવાજા સુધી પહોંચવાની હિંમત દાખવી હતી. જેના કારણે મુસાફરો અને અન્ય ક્રૂ સભ્યો સમયસર અંદર પ્રવેશીને હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા હતા. ત્યારબાદ વિમાનમાં હાજર અન્ય રિઝર્વ પાયલોટોએ કમાન્ડ સંભાળીને તેને સાઉદી અરેબિયાના તાબુકમાં સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. આ વિમાનમાં 4 અમેરિકી નાગરિકો અને 27 બાળકો સહિત કુલ 172 મુસાફરો સવાર હતા.
અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "કેપ્ટન માછર પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પણ તેમને ખ્યાલ હતો કે વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું જીવન તેમના આગામી પગલાં પર નિર્ભર છે. તેમની દૃઢ ઇચ્છાશક્તિ અને સાહસના કારણે જ આજે અનેક પરિવારો અકલ્પનીય દુર્ઘટનાથી બચી શક્યા છે."
