ભારતીય વાયુસેનામાં વિધિવત સામેલ થયું ફાઈટર જેટ રાફેલ
Live TV
-
અંબાલામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રાફેલની કરાઈ સર્વ ધર્મ પૂજા..રાફેલ, સુખોઈ અને વાયુસેનાના અન્ય વિમાનોએ બતાવ્યા આકાશી કરતબો...
ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ ફાઇટર પ્લેનને આજે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ કરાયા હતા. આ દરમિયાન આયોજિત સમારોહમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સ પાર્લી અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ સમારોહ દરમિયાન આયોજિત ‘સર્વ ધર્મ પૂજા’માં પણ બંને દેશોના સંરક્ષણમંત્રી સામેલ થયા. સર્વધર્મ પૂજા બાદ રાફેલ જેટ્સ વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયા છે. અંબાલા એરબેઝથી 5 રાફેલે ફ્લાઇપોસ્ટ કર્યું. અંબાલા એરબેઝ ખાતે ફ્લાઇપોસ્ટ દરમિયાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે ધીમી ઝડપે ઊડીને એર ડિસ્પ્લે કર્યું હતું. રાફેલ ફાઇટર જેટ્સને વોટરકેનન સેલ્યૂટ પણ કરવામાં આવ્યું હતું.
રાફેલ વિમાન સમજૂતી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેમચેન્જર હોવાનો ઉલ્લેખ કરતાં સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ક્ષેત્રે રોકાણ કરવા ફ્રાન્સને નિમંત્રણ પણ આપ્યું હતું. ફ્રાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સ પાર્લેએ સમારંભને સંબોધતાં મેક ઇન ઇન્ડિયા માટે ફ્રાન્સ પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે રાફેલ સોદાને કારણે ભારત - ફ્રાન્સ સંરક્ષણ સંબંધો ઘનિષ્ઠ થયા છે. વાયસેનાના વડાએ પણ સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાફેલ વિમાન ભારતીય સેનામાં સામેલ થવાની ઘટના ઐતિસાહિક છે.
