ભારત-મ્યાનમાર સરહદ પર ટૂંક સમયમાં ભારત-બાંગ્લાદેશ સરહદની જેમ વાડ કરાશે : અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત-મ્યાનમાર સરહદ પર ટૂંક સમયમાં ભારત-બાંગ્લાદેશ સરહદની જેમ વાડ કરવામાં આવશે. આનાથી ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર પ્રતિબંધિત થશે. ગુવાહાટીમાં આસામ પોલીસ કમાન્ડોના પાસિંગ આઉટ પરેડ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરિક સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે, જ્યારે કોંગ્રેસના શાસન દરમિયાન તે સમસ્યાઓથી ઘેરાયેલી હતી. આસામમાં લગભગ તમામ વિદ્રોહી જૂથોએ શસ્ત્રો મૂકી દીધા છે.
અગાઉ, રાજ્યના સોનિતપુર જિલ્લાના ઠેકિયાજુલી ખાતે અખિલ બાથૌ મહાસભાના 13મા ત્રિવાર્ષિક સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે બોડોલેન્ડ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં એક પણ હિંસક ઘટના બની નથી. ગૃહમંત્રીએ કહ્યું કે લોકોએ હિંસાનો માર્ગ છોડી દીધો છે જેના કારણે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા.
આ અગાઉ આસામના તેજપુર ખાતે સશસ્ત્ર સીમા દળના 66માં સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં શ્રી શાહે આગામી ત્રણ વર્ષમાં દેશમાંથી નકસલવાદ નાબૂદ કરવાની ખાત્રી આપી છે. તેમણે દેશમાં નકસલવાદના પ્રભાવને ઘટાડવામાં સીઆરપીએફ અને બીએસએફ સાથે સશસ્ત્ર સીમાદળની ભૂમિકાની પ્રશંસા કરી હતી. અમિત શાહે આજે ગુવાહાટીમાં અરૂપ કુમાર દત્તા લિખિત પુસ્તક આસામ બ્રેવહાર્ટ લચિત બરફૂકન પુસ્તકનું વિમોચન કર્યું હતું.
